અમદાવાદથી આવેલા આ ગુજરાતી યુવાને ૨૧ કલાક લાઇનમાં ઊભા રહીને ખરીદ્યો પહેલો આઇફોન-૧૬

21 September, 2024 06:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે સવારે ૧૧ વાગ્યે લાઇનમાં ઊભા રહેલા ઉજ્જવલ શાહની ગઈ કાલે સવારે ૮ વાગ્યે સ્ટોરમાં પહેલી એન્ટ્રી

ગઈ કાલે BKCમાં અૅપલના સ્ટોરની બહાર લાગેલી લાઇન (તસવીરઃ સૈયદ સમીર અબેદી) બીજી તસવીરમાં ઉજ્જવલ શાહ

ગઈ કાલે ભારતમાં લૉન્ચ થયેલો ઍપલનો આઇફોન-૧૬ સિરીઝનો પહેલો ફોન મુંબઈમાં એક ગુજરાતી યુવાને ૨૧ કલાક લાઇનમાં ઊભા રહીને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના શોરૂમથી ખરીદ્યો હતો. ઍપલના ફોનનો જબરદસ્ત ફૅન ઉજ્જવલ શાહ છેક અમદાવાદથી આઇફોન-૧૬ સિરીઝનો ફોન લેવા મુંબઈ આવ્યો હતો. ગયા વર્ષે પણ ૧૬ કલાક લાઇનમાં ઊભા રહીને તેણે અહીંથી પહેલો ફોન ખરીદ્યો હતો.

ગઈ કાલે BKCમાં ઍપલના શોરૂમની બહાર એકદમ એક્સાઇટેડ ઉજ્જવલે કહ્યું હતું કે ‘છેલ્લા ૨૧ કલાકથી હું લાઇનમાં ઊભો હતો. ગુરુવારે સવારે ૧૧ વાગ્યે હું લાઇનમાં ઊભો રહ્યો હતો અને શુક્રવાર સવારે ૮ વાગ્યે શોરૂમમાં મેં જ પહેલી એન્ટ્રી મારી હતી. આઇફોન-૧૬ સિરીઝના ફોનમાં ઘણાં નવાં ફીચર્સ છે. મુંબઈમાં આ આઇફોનની ખરીદી માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે.’ 
સુરતથી આવેલા બીજા એક આઇફોન-ફૅન અક્ષયે કહ્યું હતું કે ‘હું સવારે છ વાગ્યે આવ્યો હતો. મેં આઇફોન-૧૬ પ્રો-મૅક્સ ખરીદ્યો છે. મને આ ફોનની ઝૂમ કૅમેરા ક્વૉલિટી અને iOS 18 બહુ જ ગમ્યું છે.’

મુંબઈ સહિત આખા દેશમાં આઇફોન-૧૬ લેવા માટે લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઈ કાલે અમુક એવા લોકો પણ હતા જેમણે લાંબી લાઇનમાં ઊભા રહેવાને બદલે ઑનલાઇન આ ફોન મગાવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં ફોન તેમને ડિલિવર પણ થઈ ગયો હતો. આઇફોન-૧૬ સિરીઝમાં આઇફોન-૧૬ (બેઝ મૉડલ), આઇફોન-૧૬ પ્લસ, આઇફોન-૧૬ પ્રો અને આઇફોન-૧૬ પ્રો-મૅક્સ છે.

કયાં નવાં ફીચર્સ છે આઇફોન-૧૬ સિરીઝમાં?

ઍપલ ઇન્ટેલિજન્સ 
ફોનની બૅટરીની લાઇફ વધારવામાં આવી છે અને હવે વાયરલેસ ચાર્જિંગ ૪૦ ટકા ફાસ્ટ થશે
અલ્ટ્રા-વાઇડ કૅમેરાથી વધુ સારા ફોટો લઈ શકાશે
ફોનના ઑન-ઑફના બટનની નીચે એક બટન આપવામાં આવ્યું છે જેની મદદથી ઝૂમ કરી શકાશે તેમ જ લાઇટ પણ ઍડ્જસ્ટ કરી શકાશે

 

mumbai news mumbai ahmedabad bandra kurla complex apple india gujaratis of mumbai gujarati community news