21 September, 2022 09:58 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ ભાઈંદરમાં રહેતી એજ્યુકેટેડ ગુજરાતી યુવતી નોકરીની શોધમાં હતી. એ માટે તેણે સોશ્યલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ અપલોડ કરી હતી. દરમ્યાન તેને સાઇબર ગઠિયાનો ફોન આવ્યો હતો જેણે નોકરી આપવાની લાલચ આપીને ચાર મહિનામાં આશરે ૧૨.૫૮ લાખ રૂપિયા યુવતી પાસેથી પડાવ્યા હતા. એ પછી પણ નોકરી ન મળતાં અંતે યુવતીએ પોતાના પૈસા પાછા માગ્યા હતા. પૈસા પાછા મેળવવા માટે તેની પાસેથી ગઠિયા દ્વારા ૯૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આથી છેતરપિંડીનો શિકાર થયેલી યુવતીએ ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાઈંદર-વેસ્ટમાં વિનાયક રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી ૨૩ વર્ષની હિમાંશી શાહે કરેલી ફરિયાદ અનુસાર ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ તે નોકરીની શોધમાં હોવાથી તેણે નોકરી માટે અલગ-અલગ કંપનીઓમાં પ્રયાસ કર્યો હતો. દરમ્યાન મોબાઇલ પર તે ઑનલાઇન જૉબ વેબસાઇટ પર નોકરી શોધવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેણે પોતાની પ્રોફાઇલ જૉબ વેબસાઇટ મૉન્સ્ટર.કૉમ પર અપલોડ કરી હતી. એ પછી એક યુવાનનો તેને ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘તમે નોકરીની શોધમાં છો. અમે તમને એક ફૉર્મ મોકલીએ છીએ. એ ભરીને વેબસાઇટ પર અપલોડ કરી દો.’ ત્યાર પછી હિમાંશીએ ફૉર્મ ભરીને સાઇટ પર અપલોડ કર્યું હતું. ત્યાર બાદ બે-ત્રણ દિવસ પછી એ જ નંબર પરથી પાછો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે અમે તમને ઑફર લેટર મોકલીએ છીએ, પણ એ લેટર માટે પૈસા ચૂકવવા પડશે. એ પછી આગળની પ્રક્રિયા માટે, ઑફર લેટર મેળવવા માટે, નોકરીનું સ્થાન જોવા માટે, તાલીમ ખર્ચ માટે, બૅન્કમાં પગાર માટે ખાતું ખોલાવવા, ઇન્શ્યૉરન્સ કવર અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા, કોરોનાનો રિપોર્ટ મેળવવા, નોકરીનું ઍફિડેવિટ, બૅન્ક-અકાઉન્ટ મેળવવા, ઍફિડેવિટ માટે, ભાઈના બૅન્ક-અકાઉન્ટનું ઍફિડેવિટ વગેરે ખર્ચ માટે આશરે ૧૨,૫૮,૯૨૪ રૂપિયા લેવામાં આવ્યા હતા. એ પછી પણ નોકરી ન મળતાં હિમાંશીએ પોતાના પૈસા પાછા માગતાં સામે સાઇબર ગઠિયાએ ૯૦,૦૦૦ રૂપિયા ફરી ભરવાનું કહ્યું હતું. અંતે પોતે છેતરપિંડીનો શિકાર થઈ હોવાનું સમજાતાં તેણે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાઈંદર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. યુવતીએ આશરે ૧૨થી ૧૩ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.’