18 November, 2024 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી (LBS) રોડ પર ગોપાલ ભવન બસ-સ્ટૉપની પાછળ આવેલા ધીરજ ભુવન બિલ્ડિંગમાં પહેલા માળે રહેતાં બાવન વર્ષનાં હેમલતા અરવિંદ ગાંધીના ઘરે શનિવારે બે યુવકો ગૅસ-કનેક્શન તપાસવાના નામે ઘરમાં પ્રવેશીને ત્રણ લાખ રૂપિયાના દાગીના લૂંટી ગયા હોવાની ફરિયાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં શુક્રવાર સાંજે નોંધાઈ હતી. આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધવા વિવિધ ટીમની રચના કરી છે. એ ઉપરાંત નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસાઈ રહ્યાં છે.
આ ઘટના બાદ મારી પત્ની ખૂબ ડરી ગઈ છે એમ જણાવતાં અરવિંદ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે અમે બધા કોઈક કારણસર બહાર ગયા હતા. હેમલતા ઘરે એકલી હતી એ દરમ્યાન સાંજે ચાર વાગ્યે પહેલાં એક યુવાન ગૅસ-લીકેજ તપાસવાનું કહીને આવ્યો હતો એટલે હેમલતાએ ઘરનો દરવાજો ખોલીને તેને અંદર આવવા દીધો હતો. પહેલા આવેલા યુવાને ગૅસની લાઇન તપાસવાનો ઢોંગ કર્યો હતો. યુવક અંદર હોવાથી હેમલતાએ ઘરનો દરવાજો ખુલ્લો જ રહેવા દીધો હતો. એ પછી ૧૦ મિનિટ બાદ અન્ય એક યુવાન ઘરમાં આવ્યો હતો અને તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. એ જોઈને હેમલતાએ દરવાજો કેમ બંધ કર્યો એવું પૂછવા જતાં બન્નેએ હેમલતાને ઘરની દીવાલ નજીક ધકેલી દીધી હતી. એમાંના એક યુવકે હેમલતાનું મોઢું રૂમાલથી બાંધી દીધું હતું. ત્યાર બાદ હેમલતાએ પહેરેલી ચેઇન, મંગળસૂત્ર, બંગડી મળી તમામ દાગીના જબરદસ્તીથી કઢાવી લઈને તેઓ નાસી ગયા હતા. આ ઘટનામાં હેમલતાને થોડો માર પણ વાગ્યો છે.’
આરોપીને પકડવા વિશેષ બે ટીમની રચના કરવામાં આવી છે એમ જણાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ કાલદાતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની માહિતી મળતાં અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજથી આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. જે બિલ્ડિંગમાં ચોરી થઈ હતી એ ખૂબ જૂનું છે. એ બિલ્ડિંગમાં વૉચમૅન કે CCTV કૅમેરા નથી જેની જાણ આરોપીઓને પહેલાંથી હતી એટલે જ તેમણે આ બિલ્ડિગમાં લૂંટનો પ્લાન બનાવ્યો હોય એવો અમારો પ્રાથમિક અંદાજ છે.’