પ્રાણીપ્રેમની પરાકાષ્ઠા

07 January, 2023 08:48 AM IST  |  Mumbai | Mehul Jethva

જુહુમાં રહેતા ગુજરાતી પરિવારે ડૉગીની હાર્ટ-સર્જરી માટે લાખો ખર્ચીને જર્મનીથી ડૉક્ટરને બોલાવ્યા : રાજ્યમાં પહેલી વાર ડૉગીની હાર્ટ-સર્જરી સફળતાપૂર્વક પાર પડી

મુંબઈનો વાંકાવાલા પરિવાર ડૉગી સાથે.


મુંબઈ : જુહુમાં રહેતા ગુજરાતી વૈષ્ણવ પરિવારને પોતાના ડૉગીને હાર્ટ રિલેટેડ બીમારી હોવાનું જાણવા મળતાં એની સર્જરી માટે એને યુકે અથવા જર્મની લઈ જવો પડે એમ હતો. જોકે ડૉગીને આટલા લાંબા સમય સુધી સફર કરાવવામાં મુશ્કેલી જણાતાં પરિવારે જર્મનીથી ડૉક્ટરને મુંબઈ બોલાવીને એની સર્જરી કરાવી હતી. આ સાથે રાજ્યમાં ડૉગી પરની પહેલી સફળ હાર્ટ-સર્જરી થઈ છે. હવે એ પહેલાંની માફક ઍક્ટિવ થઈ ગયો છે તથા બીજા ડૉગીની જેમ ભાગદોડ પણ કરી શકે છે.
જુહુમાં ગુલમહોર રોડ પર રહેતા વાંકાવાલા પરિવારે આશરે ચાર વર્ષ પહેલાં મૉલ્ટિસ બ્રીડનો ડૉગી અડૉપ્ટ કર્યો હતો અને એનું નામ વોફલ રાખવામાં આવ્યું હતું. એને જન્મજાત હાર્ટ રિલેટેડ ખામીઓ હોવાથી એ બીજા ડૉગી જેવો ઍક્ટિવ નહોતા. એ પછી વાંકાવાલા પરિવારે ડૉગીનું હેલ્થ રિલેટેડ ચેક-અપ કરતાં એની હાર્ટ-સર્જરી કરાવવી પડે એમ જણાયું હતું. આ સર્જરી ભારતમાં શક્ય ન હોવાથી એને યુકે અથવા જર્મની લઈ જવો પડે એમ હતો. ડૉગીને આટલે દૂર સુધી લઈ જવાનું શક્ય ન હોવાથી પરિવારે જર્મનીથી ડૉક્ટર બોલાવીને એની સફળ સર્જરી કરાવી હતી. એ માટે તેમણે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

આ પણ વાંચો:જુહુમાં બીજા વિશ્વયુદ્ધ પહેલાંનું આર્મી સ્ટેશન બન્યું રીડેવલપમેન્ટ માટે વિઘ્ન

રાની વાંકાવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે ચાર વર્ષ પહેલાં હું આઉટ ઑફ ઇન્ડિયા હતી ત્યારે મારાં બાળકો ડૉગીને ઘરે લાવ્યાં હતાં. મેં એને પહેલી વખત હાથમાં લીધો ત્યારે મને અસામાન્ય અવાજનો અનુભવ થયો હતો. અમે એને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે જાણવા મળ્યું કે એને જન્મજાત હૃદયની ખામી છે જેને પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમે તરત જેની પાસેથી ડૉગી લીધો હતો તેને ફોન કરીને ડૉગીની માહિતી આપી હતી. ત્યારે તેણે ડૉગીને પાછો આપવા માટે કહ્યું હતું અને સાથે તે પ્રોફેશનલ હોવાથી તેણે કહ્યું કે એ ડૉગી હવે મારા માટે કોઈ કામનો નથી એટલે એને મારી નાખવામાં આવશે. જોકે અમારા ઘરના સભ્યોને ડૉગી પ્રત્યે ખૂબ લાગણી હતી એટલે એ પછી અમે એની ખૂબ કાળજી લીધી હતી. એનું વજન ન વધે એ માટે એને ઓછી માત્રામાં થોડા-થોડા સમયે ભોજન આપવામાં આવતું હતું. એ પછી પણ વોફલ ઘરમાં એકથી બે ચક્કર મારવા દરમિયાન થાકી જતો હતો. અંતે ડૉક્ટરે અમને કહ્યું કે હવે એની સર્જરી કરવી પડશે, નહીં તો થોડા સમયમાં એનું મૃત્યુ થશે. એટલે અમે એની સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો.’

કન્સલ્ટિંગ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. દીપ્તિ દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉગી છેલ્લા કેટલાક સમયથી હૃદયની પીડાથી પરેશાન હતો. એને કારણે એના શરીરનું સારું અને ખરાબ લોહી એક થઈ રહ્યું હતું અને એ શરીરમાં ફરતું થયું હતું. અમે વિચાર્યું કે આ સ્થિતિમાં ડૉગી વધુ જીવશે નહીં. અંતે અમે એની સર્જરી માટે જવાનું નક્કી કર્યું હતું. આ સર્જરી ભારતમાં આ અગાઉ થઈ નહોતી. એટલે તપાસ કરતાં અમે જર્મનીના ચેસ્ટ કાર્ડિઍક સર્જ્યન ડૉ. મૅથિયાસ ફ્રૅન્કના સંપર્કમાં આવ્યા. તેમણે આવી સર્જરી કરી છે. તેમને અમે ડિસેમ્બરની શરૂઆતમાં અહીં બોલાવ્યા હતા. એ પછી અંધેરીમાં ડૉ. મકરંદ ચૌસલકરના ક્લિનિકમાં આ સર્જરી કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે ડૉગીની હેલ્થ રિલેટેડ ટેસ્ટ કરતાં એની હાલતમાં પહેલાં કરતાં મોટા પ્રમાણમાં સુધારો થયો છે.’ 

mumbai news germany juhu mehul jethva