મલાડના ગુજરાતીના ઘરમાંથી દોઢ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ

27 July, 2024 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદનું પાણી ઘરમાં ભરાતું હોવાથી રૌનક નંદવાણા રાતે ભાઈના ઘરે સૂવા ગયેલો ત્યારે ચોરે ખાલી ઘરને ટાર્ગેટ કર્યું

પ્રતીકાત્મક તસવીર

મલાડ-વેસ્ટમાં રહેતા ૩૫ વર્ષના રૌનક નંદવાણાના ઘરમાં વરસાદને કારણે પાણી ભરાયું હોવાથી તે બુધવારે રાત્રે પિતરાઈ ભાઈના ઘરે સૂવા ગયો ત્યારે તેના ઘરમાંથી આશરે દોઢ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં ગુરુવારે નોંધાઈ છે. છેલ્લા પાંચ દિવસ પડી રહેલા જોરદાર વરસાદ વચ્ચે રૌનકના ઘરમાં પાણી ભરાતું હોવાથી આખા પરિવારને સૂવામાં અગવડ થતી હતી જેને કારણે તે પિતરાઈ ભાઈના ઘરે સૂવા ગયો હતો. આ દરમ્યાન બુધવારે મોડી રાત્રે અજાણ્યા ચોરે ખાલી ઘરને ટાર્ગેટ કર્યું હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

રૌનકની પત્ની ભાગ્યશ્રી ગુરુવારે સવારે ઘરે આવી ત્યારે તેણે દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે આખી રાત જોરદાર વરસાદ પડ્યો હોવાથી ગુરુવારે સવારે ભાગ્યશ્રી પોતાનું ઘર જોવા વહેલી આવી હતી. ત્યારે દરવાજાનું તાળું તૂટેલું જોયા બાદ અંદર જઈને જોતાં ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો એટલું જ નહીં, કબાટનો દરવાજો પણ ખુલ્લો હતો. ત્યાર બાદ ઘરમાં રાખેલા દાગીના અને રોકડની તપાસ કરતાં એ ચોરાયાં હોવાની ખાતરી થવાથી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. રૌનકના ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટીઓ, ચાંદીનાં બાળકોનાં ઘરેણાં, સોનાનો સિક્કો, ચાંદીનો સિક્કો અને આઠ હજાર રૂપિયાની રોકડ સાથે કુલ દોઢ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.’

mumbai news mumbai malad gujaratis of mumbai gujarati community news Crime News mumbai crime news mumbai police