20 February, 2024 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલીમાં રહેતું ગુજરાતી દંપતી ગઈ કાલે વહેલી સવારે તામિલનાડુથી મુંબઈ ઍરપોર્ટ આવ્યા બાદ રિક્ષામાં ઘરે જઈ રહ્યું હતું ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી વખતે એકાએક બે લોકો બાઇક પર સવાર થઈને તેમની રિક્ષાની બાજુમાં આવ્યા હતા અને દંપતીની એક બૅગ લઈને ત્યાંથી નાસી ગયા હતા. બૅગની સાથે સાડાચાર લાખ રૂપિયાના દાગીના ચોરાઈ જતાં આ ઘટનાની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
કાંદિવલી-વેસ્ટમાં રેણુકાનગરસ્થિત એક સોસાયટીમાં રહેતા અને સિવિલ કૉન્ટ્રૅક્ટરનો વ્યવસાય કરતા પંચાવન વર્ષના દિલીપ રાઠોડે કરેલી ફરિયાદ અનુસાર ગઈ કાલે વહેલી સવારે તેઓ તામિલનાડુથી ફ્લાઇટ દ્વારા ડોમેસ્ટિક ઍરપોર્ટ ટર્મિનલ પર પહોંચ્યા હતા. પત્ની સાથે ઘરે જવા માટે ઑટોમાં તેઓ તમામ સામાન લઈને પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે પત્નીએ તેનું પર્સ તેની જમણી બાજુમાં રિક્ષાની સીટ પર રાખ્યું હતું. રિક્ષા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની પૂર્વ બાજુથી કાંદિવલી પૂર્વ-પશ્ચિમ બ્રિજ પાસે આવી પહોંચી ત્યારે કાળા કલરની એક પલ્સર મોટરસાઇકલ પર બે માણસો આવ્યા હતા. તેઓ જમણી બાજુની સીટ પર રાખેલું પર્સ બળજબરીથી ખેંચીને ત્યાંથી ભાગી ગયા હતા. પર્સમાં આશરે સાડાચાર લાખ રૂપિયાના દાગીના હોવાથી એ ચોરાયા હોવાની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
કાંદિવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.’