05 May, 2023 08:08 AM IST | Mumbai | Sanjeev Shivadekar
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ ઠાકરે અને (બાજુમાં) બોરીવલીમાં લાગેલું ડાયરાનું બૅનર. આશિષ રાજે
મુંબઈ ઃ ગુજરાતી‘ભાઈ’ ચૂંટણીનાં પરિણામની દિશા ફેરવી શકે છે એ વાતથી વાકેફ રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) અચાનક એનું ગુજરાતી સમુદાય વિરોધી વલણ છોડીને એના સભ્યોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. બોરીવલી વિધાનસભા મતદારક્ષેત્ર ગુજરાતી મતદારોની મોટી વસ્તી ધરાવે છે. રાજકીય વર્તુળોમાં કહેવાય છે કે શહેરના ગુજરાતી સમુદાય પર બીજેપી સારી પકડ ધરાવે છે. આશ્ચર્યની વાત એ છે કે એમએનએસ પણ હવે મહારાષ્ટ્રમાં વિશેષ કરીને મુંબઈ શહેર અને એમએમઆરમાં ગુજરાતીઓ પ્રત્યે નરમાશભર્યું વલણ અપનાવી રહી છે.
બોરીવલીમાં તેમ જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ લાગ્યાં છે, જેના પર ૭ મેએ એમએનએસના જનરલ સેક્રેટરી નયન કદમના જન્મદિનની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. જગદીશ શાહ અને ચિરાગ જોષી દ્વારા બોરીવલી-ઈસ્ટમાં ભવ્ય ગુજરાતી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં જગદીશ શાહ એમએનએસના લીગલ સેલના અધિકારી છે, જ્યારે ચિરાગ જોષી કદમની નિકટના મિત્ર ગણાય છે.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં નયન કદમે સ્પષ્ટતા કરી હતી કે આ આયોજન સાથે પાર્ટીને કોઈ લેવા-દેવા નથી. આ ડાયરો મિત્રો દ્વારા આયોજિત કરાયો છે. આ બાબતે વધુમાં તેમણે કહ્યું હતું કે ‘બોરીવલીમાં ગુજરાતી અને મરાઠીભાષીઓનું પ્રભુત્વ છે. હું પણ ગુજરાતી અને મહારાષ્ટ્રિ યન મિત્રો સાથે રમીને મોટો થયો છું. હકીકતમાં બન્ને સમુદાય એકમેકમાં એટલા ભળી ગયા છે કે મોટા ભાગના આપણા ગુજરાતી મિત્રો મરાઠી ભાષા તેમ જ મરાઠી મિત્રો ગુજરાતી ભાષા સહેલાઈથી અને સહજ રીતે બોલી શકે છે. મેં આયોજકોને ડાયરામાં મરાઠી અને હિન્દી ગીતો વગાડવા વિનંતી કરી છે. ઘાટકોપર, મુલુંડ, વિલે પાર્લે અને કાંદિવલીની જેમ જ બોરીવલી મતદારક્ષેત્ર પણ ગુજરાતી મતદારોની મોટી વસ્તી ધરાવે છે.’
લગભગ એક દાયકા પહેલાં રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ પ્રત્યેના પક્ષપાતભર્યા વલણ માટે અવાજ ઉઠાવતા હતા. વાસ્તવમાં લગભગ ચાર વર્ષ પહેલાં રાજ ઠાકરેએ એક જાહેર સંબોધનમાં ‘આજકાલ વસઈ ગુજરાત જેવું લાગી રહ્યું છે’ એવી ટિપ્પણી કરતાં એમએનએસના કાર્યકરોએ કથિત રીતે વસઈની દુકાનોનાં ગુજરાતી સાઇનબોર્ડ્સની તોડફોડ કરી હતી.
જોકે હાલમાં બીજેપી અને એના ટોચના નેતાઓ સાથે રાજ ઠાકરેની ઘનિષ્ઠતાને કારણે એમએનએસ અને શાસક પક્ષ વચ્ચે સંભવિત જોડાણની અટકળો ચર્ચાઈ રહી છે.
પક્ષ હજી પણ ગુજરાતીઓ વિરુદ્ધ એવું જ પક્ષપાતભર્યું વલણ ધરાવે છે કે કેમ એમ પૂછતાં નયન કદમે કહ્યું કે ‘તેઓ ક્યારેય ગુજરાતી સમુદાયની વિરુદ્ધ નહોતા. રાજ ઠાકરે સતત એમ જ કહી રહ્યા હતા કે વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાંની પ્રાદેશિક ભાષાનું માન રાખવું જોઈએ. એ સંદર્ભે જોઈએ તો મહારાષ્ટ્રમાં મરાઠીને પ્રાધાન્ય આપવું જોઈએ. ખાસ કરીને સાઇનબોર્ડની વાતમાં તો ખાસ. સમય જતાં બિઝનેસમૅન સહિત લોકોના ધ્યાનમાં આવ્યું હતું કે એમએનએસ ક્યારેય ગુજરાતીઓની વિરોધી નહોતી, એ માત્ર મહારાષ્ટ્રના ગૌરવ માટે લડી રહી હતી.
૧૯૮૦ના દાયકાના અંતે એ સમયના શિવસેનાના ચીફ બાળ ઠાકરેએ બીજેપીના નેતાઓ સાથે હિન્દુત્વના સામાન્ય મુદ્દા પર જોડાણ કર્યું હતું. જોકે દેશના સૌથી જૂના રાજકીય જોડાણમાં ૨૦૧૯ની ચૂંટણી બાદ મુખ્ય પ્રધાનપદના દાવાના મુદ્દે ભંગાણ પડ્યું હતું. ત્યારથી અનેક રાજકીય પાર્ટીઓને એમ લાગવા માંડ્યું છે કે ભવિષ્યમાં જ્યારે પણ બીજેપી સાથે સત્તાવાર સીટની વહેંચણી અથવા વ્યૂહાત્મક જોડાણની સંભાવના હશે ત્યારે ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે તેમનું સ્થાન લેશે.