03 February, 2024 07:42 AM IST | Mumbai | Priti Khuman Thakur
મીરા રોડમાં ગૅસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં ખૂબ નુકસાન થયું હતું.
મીરા રોડના રામદેવ પાર્ક વિસ્તારમાં ગુરુવારે મોડી રાતે એક દુકાનમાં રાખવામાં આવેલા ગૅસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે એનો અવાજ એકથી દોઢ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં એક બિલ્ડિંગના પાંચમા માળ સુધીના કાચ તૂટી ગયા હતા અને એક જણ જખમી થયો હતો. વિસ્ફોટના જોરદાર અવાજને કારણે પરિસરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મીરા રોડના રામદેવ પાર્ક વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું રામકૃપા બિલ્ડિંગ આવેલું છે. એમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર ૦૦૨માં ગુરુવારે રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. રેણુ રાયે આ જગ્યા એક કેટરરને લીઝ પર આપી છે. ત્યાં કામ કરતો ૧૮ વર્ષનો યુવક સંજય આઝાદ રસોઈ બનાવતો હતો એ વખતે વિસ્ફોટ થતાં તે ઘાયલ થયો હતો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ વિશે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચીફ ફાયર ઑફિસર પ્રકાશ બોરાડેએ જણાવ્યું હતું કે ‘આ વિફોસ્ટ વિશે માહિતી મળતાં જ અમે ચાર ફાયર એન્જિન અને બાવીસ કર્મચારીઓ સાથે થોડા વખતમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડે પાંચ ગૅસ સિલિન્ડર જપ્ત કર્યાં છે. બિલ્ડિંગમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ લગાવવામાં આવી ન હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’