હાઇવે પર બનાવવામાં આવશે ફાયર-સ્ટેશન

15 February, 2024 11:01 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અને હાઇવેને અડીને આવેલા વિસ્તારોમાં આગના અકસ્માતો અને અન્ય કટોકટીની પરિસ્થિતિમાં મુશ્કેલી ઊભી થતાં તાત્કાલિક મદદ મળે એ માટે વસઈ-વિરાર મહાનગરપાલિકા હાઇવે પર ફાયર-સ્ટેશન બનાવશે

ફાયર સ્ટેશન માટેની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ હાઇવે પર દિવસનાં લાખો વાહનો પસાર થતાં હોય છે. હાલમાં તો રસ્તા પર સિમેન્ટ-કૉન્ક્રીટનું કામ ચાલુ હોવાથી વાહનોની લાંબી હરોળ જોવા મળતી હોય છે. આ દરમિયાન અનેક કટોકટીની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને એની સામે સમયસર સુવિધા ન મળતાં વધુ હેરાનગતિ થતી હોય છે. એથી મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અને હાઇવેને અડીને આવેલા વિસ્તારમાં આગ-અકસ્માતો અને અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં મુશ્કેલીઓ ઊભી થાય એવા સમયે આ વિસ્તારમાં તાત્કાલિક મદદ મળે એ માટે મહાનગરપાલિકા હાઇવે પર ફાયર-સ્ટેશન બનાવવા જઈ રહી છે. 

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર છેલ્લાં કેટલાંક વર્ષોમાં હાઇવેની બાજુના વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ઔદ્યોગિક કારખાનાંઓ, ગિફ્ટ હાઉસ, ગોડાઉન, બેઠી ચાલીઓ અને અન્ય સંસ્થાઓ વગેરેને કારણે આ વિસ્તારો વધુ ગીચ બની રહ્યા છે. ઘણી વખત હાઇવે અને આસપાસના વિસ્તારોમાં કારખાનાંઓમાં આગ લાગવાની ઘટનાઓ બને છે તો ક્યારેક ચાલતાં વાહનોમાં આગ લાગવી જેવા અનેક વિચિત્ર અકસ્માતો બનતા હોય છે. આવા સમયે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ફાયર-બ્રિગેડને બચાવકામ માટે બોલાવવામાં આવે છે, પરંતુ હાલનાં ફાયર-સ્ટેશનો સિટી ભાગ અને આંતરિક વિસ્તારોમાં આવેલાં છે, જેને કારણે હાઇવે પર આગની ઘટના અને અન્ય આપાત્કાલીન પરિસ્થિતિ સર્જાય તો હાઇવે સુધી પહોંચવામાં વિલંબ થાય છે. દરમિયાન આગ અથવા કોઈ દુર્ઘટના મોટું સ્વરૂપ લઈ શકે છે.

કેટલીક વખત ઘટનાની માહિતી મળ્યા બાદ દુર્ઘટનાને કારણે થયેલો ટ્રાફિક જૅમ અને લાંબા અંતરના કારણે ફાયર-બ્રિગેડનાં વાહનોને પહોંચવામાં અનેક સમસ્યાઓ આ‍વતી હોય છે. આ માટે હાઇવેની નજીક જ હવે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવે એમ નવું ફાયર-સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે જેથી હાઇવે પર અને એ વિસ્તારમાં આગ કે અન્ય કોઈ ઇમર્જન્સી પરિસ્થિતિ બને તો તાત્કાલિક એના પર કાબૂ મેળવવામાં સરળતા મળી રહેશે. આ માટે હાઇવેને અડીને આવેલી જગ્યાની શોધ પણ શરૂ કરવામાં આવી છે. આ બાબતે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ફાયર-સ્ટેશન માટે જગ્યા ઉપલબ્ધ થતાં જ ફાયર-સ્ટેશન ઊભું કરીને સેવા શરૂ કરી દેવામાં આવશે.

ફાયર-સર્વિસ મજબૂત કરશે
મહાનગરપાલિકા ફાયર-વિભાગને અત્યાધુનિક બનાવવા પર ભાર મૂકી રહી છે. વસઈ-વિરારની વધતી જતી વસ્તીને અનુલક્ષીને મહાનગરપાલિકા વિવિધ સ્થળોએ નવાં સબ-સ્ટેશનો વિકસાવવાં, નવાં અત્યાધુનિક વાહનો અને સાધનો ખરીદવાં જેવાં મહત્ત્વનાં કામ પૂરાં કરવા જઈ રહી છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૪-’૨૫ના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

mumbai news fire incident mumbai brihanmumbai municipal corporation ahmedabad vasai virar vasai virar city municipal corporation preeti khuman-thakur