07 November, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એન. એસ. રોડ પરના મેઇન ફીડર-બૉક્સમાં લાગેલી આગ પછી ફીડર મશીન.
મુલુંડ-વેસ્ટમાં એન. એસ. રોડ પર રમા ભુવન બિલ્ડિંગની બહાર ફુટપાથ પર રહેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના મેઇન ફીડર-બૉક્સમાં ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ મોટો ભડકો થતાં એન. એસ. રોડ અને એમ. જી. રોડ ઉપરાંત ભીમવાડી વિસ્તારમાં આઠ કલાક કરતાં વધારે સમય સુધી લાઇટો ગુલ થઈ ગઈ હતી. ફીડર-બૉક્સમાં રહેલા ચાર મોટા વાયર બળીને ખાખ થઈ જવાથી લાઇટો ગુલ થઈ ગઈ હતી. MSEDCLના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર એકાએક આટલી મોટી આગ લાગવા પાછળનું કારણ ફટાકડો હોય એવી શક્યતા છે. જોકે આની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
એન. એસ. રોડ પરના આ મેઇન ફીડર-બૉક્સમાંથી ચાર વિસ્તારમાં લાઇટ સપ્લાય કરવામાં આવે છે એમ જણાવતાં MSEDCL મુલુંડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિજય સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ ફીડર-બૉક્સમાં એકાએક મોટી આગ લાગી હતી અને એમાંથી ફટાકડા ફૂટી રહ્યા હોય એવા અવાજ આસપાસમાં રહેતા લોકોને આવી રહ્યા હતા. ધીરે-ધીરે આગ વધી જતાં ફાયર-બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. અંતે ૪૦ મિનિટ બાદ ફાયર-બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. એ પછી અમે તપાસ કરી ત્યારે અંદરના મેઇન તમામ વાયરો બળી ગયા હતા એટલે તાત્કાલિક વધુ સ્ટાફ બોલાવીને અમે આ વાયરોનું રિપેરિંગ શરૂ કરી દીધું હતું. આ ફીડર-બૉક્સમાં આગ લાગવા પાછળનું કારણ હાલમાં તો અમે ફટાકડો હોય એવું લાગી રહ્યું છે. એક વાર એ રિપેર થયા બાદ આ વિશે વધુ તપાસ કરીશું.’