16 January, 2024 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્કૂલમાં લાગેલ આગ
મુંબઈ : પરેલમાં મોનોરેલના સ્ટેશન મિન્ટ કૉલોની પાસે આવેલી સાંઈબાબા રોડ મ્યુનિસિપલ સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોરમાં ગઈ કાલે સવારે સવાનવ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્કૂલની ઇમારત જર્જરિત થઈ ગઈ હોવાથી એને સી-૧ કૅટેગરીમાં મૂકવામાં આવતાં છેલ્લાં ત્રણ વર્ષથી બંધ હોવાથી કોઈ દુર્ઘટના, જાનહાનિ કે કોઈના જખમી થવાના અહેવાલ નથી. જોકે ચિંતાની વાત એ હતી કે એ બંધ સ્કૂલનો કોવિડ વખતે વૅક્સિનેશન સેન્ટર તરીકે ઉપયોગ થતો હતો અને એ વખતથી એના ભોંયતળિયે ઑક્સિજન સિલિન્ડરો સ્ટોર કરાયાં હતાં જે આ આગ વખત ધડાકાભેર ફાટ્યાં હતાં. એના જોરદાર ધડાકા દૂર સુધી સંભળાયા હતા. આજુબાજુના રહેવાસીઓનું કહેવું હતું કે અંદાજે છથી સાત ધડાકા સંભળાયા હતા.
બીએમસીના જણાવ્યા અનુસાર સવારે ૯.૧૬ વાગ્યે આગ લાગી હોવાની જાણ થતાં જ ચાર ફાયર એન્જિન, ત્રણ જંબો ટૅન્કર અને અન્ય રેસ્ક્યુ વેહિકલ્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર ઑફિસરના જણાવ્યા અનુસાર ઇમારતમાં ભોંયતળિયે ગાદલાનો સ્ટૉક કરાયો હતો જે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાયરિંગ અને પીપીઈ કિટને આગ લાગી હતી તથા ઑક્સિજનનાં પાંચ મોટાં અને બે નાનાં સિલિંડર પણ ફાટ્યાં હોવાનું જણાઈ આવ્યું હતું. ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના એ સ્કૂલ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓના યુનિફૉર્મ અને શૂઝનો પણ સ્ટૉક હતો. એ બધું બળીને ખાખ થઈ ગયું હતું. સવારના સવાનવ વાગ્યે લાગેલી આગ આખરે બપોરે સવાબાર વાગ્યે ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી.
ભૂતપૂર્વ નગરસેવક અનિલ કોકિળે કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ પહેલાં જ બીએમસીએ સ્કૂલની એ ઇમારતને જોખમી જાહેર કરીને સી-૧ કૅટેગરી હેઠળ મૂકી હોવાથી એ બંધ કરી દેવાઈ હતી. જોકે એ પછી એ ઇમારત તરત જ ડિમોલિશ કરવી જોઈતી હતી, પણ કરાઈ નહોતી. એટલું જ નહીં, કોવિડ વખતે એમાં વૅક્સિનેશન સેન્ટર પણ ચલાવાયું હતું અને પછી સ્ટોરરૂમ તરીકે પણ એનો ઉપયોગ કરાયો હતો જે જોખમી હતું.’