નવી મુંબઈના NRI કૉમ્પ્લેક્સના એક બિલ્ડિંગના પેન્ટહાઉસમાં આગ

15 October, 2024 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગના સમાચાર મળતાં જ અમારી પાંચ વૅન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

નવી મુંબઈના પામ બીચ રોડ પર આવેલી સીવુડ એસ્ટેટ કો-ઑપરેટિવ હાઉ‌સિંગ સોસાયટીના બિલ્ડિંગ-નંબર ૪૮ના ટૉપ ફ્લોર પરના પેન્ટહાઉસમાં લાગેલી આગ.

નવી મુંબઈના પામ બીચ રોડ પર આવેલી સીવુડ એસ્ટેટ કો-ઑપરેટિવ હાઉ‌સિંગ સોસાયટી તરીકે પ્રસિદ્ધ NRI કૉમ્પ્લેક્સના બિલ્ડિંગ-નંબર ૪૮માં ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યે ૧૭ અને ૧૮મા માળના પેન્ટહાઉસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે પેન્ટહાઉસના રહેવાસીઓ સમયસર બહાર નીકળી જતાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી પરંતુ આગમાં ફ્લૅટ બળીને ખાખ થઈ ગયો હતો.

આ બાબતની માહિતી આપતાં આ સોસાયટીના રહેવાસી અને નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં મસાલાનું કોલ્ડ સ્ટોરેજ ધરાવતા કેતન નકુમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા કૉમ્પ્લેક્સમાં ટોટલ ૧૮ માળની ૫૬ ઇમારતો છે, જેમાં એક ઇમારતમાં ૬૪ ફ્લૅટ અને બે પેન્ટહાઉસ છે. ગઈ કાલે અમારા બિલ્ડિંગ-નંબર ૪૮ના ઉપરના પેન્ટહાઉસમાં શૉર્ટસર્કિટને કારણે સવારના પાંચ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. અંદાજે છ જણનો આ પરિવાર તરત જ તેમના પેન્ટહાઉસમાંથી બહાર નીકળીને આખી સોસાયટીના રહેવાસીઓને જગાડતાં-જગાડતાં નીચે ઊતરી ગયો હતો. તેમની સાથે સોસાયટીના રહેવાસીઓ પણ નીચે ઊતરી ગયા હતા. અમે બધા થોડી વાર માટે ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. જોકે ટૉપ ફ્લોર પર લાગેલી આગને કારણે અન્ય કોઈ ફ્લૅટને નુકસાન થયું નહોતું. સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ ફાયર-બ્રિગેડ પહોંચી ગઈ હતી. ફાયર-બ્રિગેડને પહેલાં એરિયલ લૅડર ન હોવાથી આગ બુઝાવવામાં થોડી તકલીફ પડી હતી. ત્યાર પછી તેમણે તરત જ મોટી એરિયલ લૅડરને બોલાવીને બે કલાકમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. આ સમય ‌દરમિયાન બિલ્ડિંગની લાઇટ્સ અને મહાનગર ગૅસની લાઇનને બંધ રાખવામાં આવી હતી. આગ બુઝાઈ ગયા પછી તરત જ લાઇટ અને ગૅસની લાઇનને ચાલુ કરી દેવામાં આવી હતી, જેને કારણે અમને બીજી કોઈ તકલીફ પડી નહોતી.’

નવી મુંબઈની ફાયર-બ્રિગેડના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગના સમાચાર મળતાં જ અમારી પાંચ વૅન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમારી પ્રાથમિક તપાસમાં આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી. જોકે વધુ તપાસ ચાલુ છે. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.’

mumbai news mumbai navi mumbai fire incident mumbai police