19 January, 2024 08:15 AM IST | Mumbai | Faisal Tandel
આરોપી વૈભવ બુરુન્ગલે અને વૈષ્ણવી બાબર
મુંબઈ : એફવાયબીકૉમની ૧૯ વર્ષની વિદ્યાર્થિની ગુમ થયાના એક માસ બાદ નવી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસનો દાવો છે કે તેના બૉયફ્રેન્ડે તેની હત્યા કર્યા બાદમાં ટ્રેનની નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. ખારઘર ઓવે કૅમ્પ જંગલ વિસ્તારમાંથી યુવતીની ડીકમ્પોઝ્ડ બૉડી મળી આવી હતી.
પોલીસ ડ્રોનની મદદથી જંગલમાં યુવતીનો મૃતદેહ શોધી રહી હતી. સુસાઇડ નોટમાં લખેલો કોડ એલઓ૧-૫૦૧ પોલીસને સમાન નંબર ધરાવતા વૃક્ષ સુધી દોરી ગયો હતો. બાદમાં ૧૫ જાન્યુઆરીએ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની પરિવારે ઓળખ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ૧૨ ડિસેમ્બરે ૧૦ વાગ્યે ૧૯ વર્ષની યુવતી વૈષ્ણવી મનોહર બાબર કલમ્બોલીના તેના ઘરેથી સાયન એસઆઇઈએસ કૉલેજ પહોંચી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘સાંજ સુધી યુવતી ઘરે પાછી ન આવતાં તેનાં માતા-પિતાએ કલમ્બોલી પોલીસમાં તે ગુમ થયાની ફરિયાદ આપી હતી. નવી મુંબઈ પોલીસને તપાસમાં યુવતીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ૬ જાન્યુઆરીએ નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારામ્બેએ ગુમ યુવતીને શોધવા એક સ્પેશ્યલ ટીમની રચના કરી હતી.’
ડેપ્યુટી પોલીસ કમિશનર અમિત કાળેએ કહ્યું હતું કે ‘૬ જાન્યુઆરીએ સ્પેશ્યલ ટીમે હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે મળીને તપાસ શરૂ કરી હતી. સ્પેશ્યલ ટીમે સીસીટીવી ફુટેજ શોધી કાઢ્યાં હતાં જેમાં યુવતી કૉલેજથી આવતી દેખાતી હતી અને જીટીબી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડતી પણ જોવા મળી હતી. સીસીટીવી ફુટેજમાં યુવતી ખારઘર પર ઊતરતી દેખાઈ હતી. બાદમાં સાબિત થઈ ગયું કે તે કોઈક છોકરા સાથે ખારઘર ઓવે કૅમ્પ જંગલ વિસ્તારમાં ગઈ હતી. જોકે પાછા ફરતી વખતે યુવક એકલો હતો એટલે તેમની શંકા આગળની તપાસ તરફ દોરી ગઈ હતી.’
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘વધુ તપાસમાં યુવતીનો મોબાઇલ મળી આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે તે સતત તેના મિત્રના સંપર્કમાં હતી. તપાસમાં ખુલાસો થયો કે વૈષ્ણવીના ૨૪ વર્ષના મિત્ર વૈભવ બુરુન્ગલેએ ૧૨ ડિસેમ્બરે ટ્રેનની સામે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. પોલીસને વૈભવનો મોબાઇલ મળ્યો હતો જેમાં સુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં તેણે પોતે યુવતીને મારીને તેનો મૃતદેહ ક્યાં નાખ્યો છે એનું લોકેશન પણ લખ્યું હતું.’