વધારે મતદાન થાય એ માટે BMC આવશે આપણા દ્વારે

02 April, 2024 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ગઈ કાલે મુંબઈની તમામ ૬ બેઠકોમાં મતદાનની જનજાગૃતિ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો

BMCની ઑફિસમાં ગઈ કાલે મતદાન જાગૃતિ બાબતે બેઠક થઈ હતી.

ચૂંટણી આવે એટલે મુંબઈગરાઓ ગાયબ થઈ જતા હોવાની ફરિયાદ સાંભળવા મળે છે. મોટા ભાગની ચૂંટણીમાં પંચાવનથી ૬૦ ટકા જેટલું જ મતદાન થાય છે. ઓછા મતદાનનું મેણું ભાંગવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ લોકસભાની ચૂંટણીમાં મુંબઈની ૬ બેઠકમાં ૨૦ મેએ વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે જનજાગૃતિ કરવાનો નિર્ણય લીધો છે. આ સંબંધે ગઈ કાલે BMCના ઍડિશનલ કમિશનર ડૉ. અશ્વિની જોશીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી; જેમાં શહેરભરની હાઉસિંગ સોસાયટી, મોટી ઇમારતો, કમર્શિયલ કૉમ્પ્લેક્સ, માર્કેટ, સિનેમા-હૉલ, નાટ્યગૃહ, મૉલ, સ્કૂલ અને કૉલેજોમાં જુદા-જુદા માધ્યમથી મતદાન સંબંધી માહિતી લોકો સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો હતો. રેલવે-સ્ટેશન, બસ-ડેપો, મેટ્રો સ્ટેશન, ઍરપોર્ટ વગેરે સ્થળોએ મતદાન કરવા માટેની અપીલ કરવાની સાથે સેલિબ્રિટી અને ફિલ્મસ્ટારોને આ ઝુંબેશમાં જોડાવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.

૨૦૧૯માં મુંબઈમાં ક્યાં કેટલું મતદાન થયું હતું?
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં ઍવરેજ ૫૭.૧૫ ટકા મતદાન થયું હતું. સૌથી વધુ ૬૪.૧ ટકા મુંબઈ નૉર્થમાં, સૌથી ઓછું ૫૦.૩ ટકા મુંબઈ નૉર્થ વેસ્ટમાં, મુંબઈ નૉર્થ ઈસ્ટમાં ૬૦.૩ ટકા, મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં ૫૮.૪ ટકા, મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં ૫૬.૭ ટકા અને સાઉથ મુંબઈમાં ૫૩.૧ ટકા મતદાન થયું હતું.

mumbai news mumbai Lok Sabha Election 2024 brihanmumbai municipal corporation