17 August, 2024 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં રહેતા ૫૯ વર્ષના ગુજરાતી વેપારીને ગુરુવારે બપોરે વૉટ્સઍપ પર યુનિયન બૅન્કની ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી સાઇબર ગઠિયાએ વેપારીની મમ્મી, પત્ની અને પુત્રનાં લિન્ક્ડ ખાતાંઓમાંથી ૪,૪૯,૯૯૦ રૂપિયા ઉપાડીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગઈ કાલે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. સાઇબર ગઠિયાએ વેપારીને મેસેજમાં જણાવ્યું હતું કે તમારા બૅન્ક-ખાતામાં ખોટા વ્યવહારો થયા હોવાથી અમે તમારું અકાઉન્ટ સસ્પેન્ડ કરી રહ્યા છીએ. ત્યાર બાદ વૉટ્સઍપ પર ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન પૅકેજ (APK) ફાઇલ મોકલી એ ડાઉનલોડ કરાવીને તમામ પૈસા સેરવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદીએ પોતાના બૅન્ક-ખાતા સાથે તેમની મમ્મી, પત્ની અને પુત્રનાં બૅન્ક-અકાઉન્ટ લિન્ક કરાવી રાખ્યાં હતાં એટલે વેપારીએ યુનિયન બૅન્કની બોગસ APK ફાઇલ ડાઉનલોડ કરી ત્યારે તમામ ખાતાંની માહિતી સાઇબર ગઠિયાને મળી ગઈ હતી એમ જણાવતાં બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે ફરિયાદીને વૉટ્સઍપ પર યુનિયન બૅન્કના લોગો સાથેનો એક મેસેજ આવ્યો હતો. એમાં તમારા બૅન્ક-ખાતામાં ખોટા વ્યવહાર થયા હોવાનું કહીને આજે તમારું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે એમ કહ્યું હતું એટલું જ નહીં, જો તમારે ખાતું ચાલુ રાખવું હોય તો વૉટ્સઍપ પર આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરો એમ કહ્યું હતું. પોતાને આવેલા મેસેજને સાચો માનીને વેપારીએ APK ફાઇલ ડાઉનલોડ કરીને પોતાની તમામ માહિતી ઍપ્લિકેશનની અંદર ભરી હતી. જોકે થોડી વારમાં તેમના બૅન્ક-ખાતામાંથી બે લાખ રૂપિયા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટેની રિક્વેસ્ટ નાખવામાં આવી હોવાનો એક મેસેજ તેમના મોબાઇલ પર મળ્યો હતો એટલે વેપારીએ તાત્કાલિક બૅન્કના કસ્ટમર કૅરમાં ફોન કરીને એ પૈસા ફ્રીઝ કરાવી દીધા હતા. જોકે થોડી વાર પછી તેમને તેમની મમ્મીના ખાતામાંથી બે લાખ રૂપિયા, પત્નીના ખાતામાંથી બે લાખ રૂપિયા અને પુત્રના અકાઉન્ટમાંથી ૪૯,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હોવાની જાણ થઈ હતી. આ બધા અકાઉન્ટ તેમના મોબાઈલ સાથે લિન્ક હોવાથી આરોપી એનો ફાયદો લઈ શક્યો હતો. અંતે તેમણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. આ કેસમાં થોડાક પૈસા ફ્રીઝ કરવામાં અમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલી રહી છે.’