બેફામ ડમ્પરે સ્કૂટરને અડફેટે લીધું, ચેમ્બુરનાં મા-દીકરાનો જીવ ગયો

28 November, 2024 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કવિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેના પુત્ર પ્રવીણનું હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમ્યાન મૃત્યુ થયું હતું

કવિતા અને તેના પુત્ર પ્રવીણને અડફેટે લેનાર ડમ્પર.

ચેમ્બુર-ઈસ્ટના ઠક્કર બાપા કૉલોનીમાં રહેતી ૩૨ વર્ષની કવિતા અને તેના ૧૨ વર્ષના પુત્ર પ્રવીણ સિંગાડિયાનાં મંગળવારે સવારે નેહરુનગરના એસ. જી. બર્વે રોડ પર પૂરપાટ વેગે આવી રહેલા ડમ્પરની અડફેટે આવતાં મૃત્યુ થયાં હતાં. નેહરુનગર પોલીસે ડમ્પરચાલક રિઝવાનુર રહમાન ફઝલુર રહમાન સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. કવિતા મંગળવારે સવારે પોતાના પુત્રને સ્કૂલમાં મૂકવા જઈ રહી હતી એ દરમ્યાન આગળ જતા ડમ્પરને ઓવરટેક કરી આગળ નીકળવા જતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી પોલીસે આપી છે.

કવિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેના પુત્ર પ્રવીણનું હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમ્યાન મૃત્યુ થયું હતું એમ જણાવતાં નેહરુનગર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ કાવડેએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે રોજિંદા ક્રમ અનુસાર કવિતા પોતાના સ્કૂટર પર પુત્ર પ્રવીણને કુર્લામાં આવેલી કેદારનાથ વિદ્યા ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં મૂકવા જઈ રહી હતી ત્યારે એસ. જી. બર્વે રોડ પર ડમ્પરને ઓવરટેક કરી આગળ નીકળવા જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કવિતા સ્કૂટર પરથી નીચે પટકાતાં માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પ્રવીણના પગ પરથી ડમ્પર ફરી વળતાં તેને અમારી પૅટ્રોલિંગ વૅને તાત્કાલિક ઇલાજ માટે રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ઇલાજ દરમ્યાન તેનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ અમે ડમ્પરચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોતાં ડમ્પર ખૂબ જ સ્પીડમાં હતું અને એણે વગર કોઈ સિગ્નલ આપી વળાંક લેવાની કોશિશ કરી હતી ત્યારે પાછળથી આવી રહેલી કવિતાનું સ્કૂટર ડમ્પર સાથે અથડાયું હતું.’

mumbai news mumbai road accident chembur Crime News mumbai police