22 November, 2024 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ઘાટનંદુરમાં ચૂંટણીના દિવસે કેટલાક લોકોએ પોલિંગ-બૂથમાં ઘૂસી જઈ તોડફોડ કરી હતી અને કેટલાંક EVM પણ તોડી નાખ્યાં હતાં. આ સંદર્ભે હવે પોલીસે ૪૦ જણ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલામાં તોફાનીઓને રોકવાની કોશિશ કરવા જતાં કેટલાક પોલીસ-કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.
પોલિંગ-બૂથના તોડફોડની આ ઘટના પરળી વિધાનસભા મતદાર સંઘના ઘાટનંદુરમાં બુધવારે બપોરે ૧.૩૦ વાગ્યે બની હતી. આ બાબતે વધુ માહિતી આપતાં ઑફિસરે કહ્યું હતું ‘તોડફોડની આ ઘટના પહેલાં મહા વિકાસ આઘાડીના સ્થાનિક નેતા માધવ જાધવની મારઝૂડ કરાઈ હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. એ પછી અંદાજે ૫૦થી ૬૦ લોકોનું ટોળું હાથમાં લાકડી અને હથિયારો લઈ જ્યાં મતદાન થઈ રહ્યું હતું એ સ્કૂલમાં ધસી આવ્યું હતું અને તોડફોડ કરી હતી. તેમને એમ કરતાં રોકવા ગયેલી પોલીસ પર પણ તેમણે હુમલો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસ-કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.’
આ ઘટનામાં કેટલાંક EVM તોડી-ફોડી નાખતાં ચૂંટણી-અધિકારીઓએ તરત જ એ EVM મશીન રિપ્લેસ કરી દીધાં હતાં જેથી મતદાન ન અટકે. પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘આ બાબતે ફરિયાદ કરવામાં આવતાં અમે હત્યાના પ્રયાસ સહિત ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ ૪૦ જણ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.’