News In Shorts: નવી મુંબઈમાં ૨૪ લાખની છેતરપિંડી કરવા બદલ દંપતી સામે ગુનો નોંધાયો

23 September, 2023 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈમાં એક વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરપિંડી કરવા માટે યુઝ્ડ કારની ડીલરશિપ ધરાવતા દંપતી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં ફાર્મમાંથી ૧૪ બકરાં ચોરાયાં

મુંબઈ (પી.ટી.આઇ.) : મુંબઈ પોલીસે ઉલવે વિસ્તારમાં એક ફાર્મમાંથી ૧૪ બકરાંની ચોરી થવાનો કેસ નોંધ્યો છે. ન્હાવા શેવા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસરે જણાવ્યું હતું કે ‘ગુરુવારે વહેલી સવારે ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતનાં બકરાં કેટલીક અજાણી વ્યક્તિઓ લઈ ગઈ હતી. ફરિયાદી ઉલવે ખાતેના તેના ખેતરમાં ઘેટાંબકરાં પાળે છે. ભારતીય દંડસંહિતાની કલમ ૩૮૦ (ચોરી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’

સ્ટુડન્ટને નકલ કરતાં રોક્યો એટલે એક વ્યક્તિએ કૉલેજના સ્ટાફને ધમકી આપી

મુંબઈ : ભિવંડીની એક કૉલેજના સુપરવાઇઝરે ભૂગોળની પરીક્ષા દરમ્યાન આર્ટ્સના ત્રીજા વર્ષના એક સ્ટુડન્ટને નકલ કરતાં પકડી પાડ્યો હતો તથા તેને ઠપકો આપીને ચેતવણી આપી હતી. જોકે સ્ટુડન્ટે તેની ગેરવર્તણૂક ચાલી રાખતાં સુપરવાઇઝરે પ્રોફેસરને એની જાણ કરી હતી. સ્ટુડન્ટ પરિસરમાંથી બહાર નીકળી ગયો હતો અને પછી દાદુ ગાયકવાડ નામની વ્યક્તિ સાથે પાછો ફર્યો હતો. તે વ્યક્તિએ આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલ સહિત સ્ટાફ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. સુપરવાઇઝરે પોલીસ-ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘દાદુ ગાયકવાડે દાવો કર્યો હતો કે તે આરપીઆઇનો ઉપપ્રમુખ હતો અને આચાર્યને મારી નાખવાની ધમકી આપી હતી. દાદુ ગાયકવાડ સામે ગુનાહિત ધાકધમકી માટે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

નવી મુંબઈમાં ૨૪ લાખની છેતરપિંડી કરવા બદલ દંપતી સામે ગુનો નોંધાયો

મુંબઈ (પી.ટી.આઇ.) : નવી મુંબઈમાં એક વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરપિંડી કરવા માટે યુઝ્ડ કારની ડીલરશિપ ધરાવતા દંપતી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સીબીડી-બેલાપુર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર નાથ લોખંડેએ જણાવ્યું હતું કે ‘ફરિયાદના આધારે સાજિદ શેખ અને તેની પત્ની શાહિન વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જૂની કારનો બિઝનેસ કરનારા બંનેએ કથિત રીતે એક કાર ખરીદવા માટે ઇન્વેસ્ટમેન્ટ તરીકે પીડિત પાસેથી ૨૪ લાખ રૂપિયા લીધા હતા અને ત્યાર બાદ તેમને જાણકારી આપ્યા વિના એ કાર વેચી નાખી હતી. દંપતી કથિત રીતે ફરિયાદીને પૈસા પાછા આપવામાં નિષ્ફળ રહ્યું હતું અને બિઝનેસમાં મળેલી કોઈ રકમ પણ શૅર નહોતી કરી. દંપતીએ એપ્રિલ અને ઑક્ટોબર ૨૦૨૧ વચ્ચે ફરિયાદી સાથે કથિત રીતે છેતરપિંડી કરી હતી.’

mumbai news navi mumbai maharashtra news