30 March, 2024 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટી. રાજા ઉર્ફે ઠાકુર રાજા સિંહ
મીરા રોડમાં જાહેર સભા યોજીને ધાર્મિક હિંસા ભડકાવવાના પ્રકરણમાં તેલંગણના વિધાનસભ્ય ટી. રાજા ઉર્ફે ઠાકુર રાજા સિંહ વિરુદ્ધ મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ દાખલ થાય એ માટે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
મીરા રોડમાં ૨૧ જાન્યુઆરીએ ધાર્મિક હિંસા થઈ હતી અને એના આખા દેશમાં પ્રત્યાઘાત પડ્યા હતા. આ પાર્શ્વભૂમિમાં તેલંગણના વિધાનસભ્ય ટી. રાજાએ ૨૫ ફેબ્રુઆરીએ મીરા રોડમાં જાહેર સભા યોજી હતી. એ સમયે ટી. રાજાએ ધાર્મિક લાગણી ભડકાવતાં નિવેદનો કર્યાં હતાં એવો આરોપ મૂકવામાં આવ્યો અને આ બાબતે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં કોઈ ગુનો નોંધાયો નહોતો. એથી બોમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. એની નોંધ લેતાં કોર્ટે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. એથી મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં વિધાનસભ્ય ટી. રાજા અને સભાના આયોજક નરેશ નીલે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.