13 August, 2023 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્લાઇટની દેશ-વિદેશની સસ્તી ટિકિટ આપવાના નામે લોકો સાથે ચીટિંગ કરતું કૉલ સેન્ટર પકડાયું
મુંબઈ ઃ સોશ્યલ મીડિયામાં દેશ-વિદેશની ફ્લાઇટની સસ્તામાં ટિકિટ આપવાના નામે અનેક લોકોને છેતરવાના મામલામાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અંધેરીમાં ચાલતા બોગસ કૉલ સેન્ટર પર કાર્યવાહી કરીને ૨૮ લૅપટૉપ અને ૪૦ મોબાઇલ સહિતની વસ્તુઓ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલામાં પોલીસે બોગસ કૉલ સેન્ટર ચલાવનારા ૧૨ લોકો સામે ગુનો નોંધીને તેમની કોર્ટમાંથી ૧૪ ઑગસ્ટ સુધીની પોલીસ-કસ્ટડી મેળવી હતી.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૮ની ટીમને માહિતી મળી હતી કે અંધેરી-પૂર્વના મરોલમાં હસનપાડા રોડ પરની મિત્તલ કમર્શિયા નામના બિલ્ડિંગની ૩૦૧/એ નંબરની ઑફિસમાં કૅનેડા સહિત દેશ-વિદેશના લોકોને સસ્તામાં ફ્લાઇટની ટિકિટ આપવાના નામે છેતરવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેટ, વૉટ્સઍપ કૉલ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ વગેરે સોશ્યલ મીડિયામાં જાહેરાત આપીને લોકોને ફ્લાઇટની સસ્તી ટિકિટ આપવાની લાલચ આપવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું.
૧૦ ઑગસ્ટે માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૮ના ઇન્ચાર્જ લક્ષ્મીકાંત સાળુંખેએ ટીમો બનાવીને શુક્રવારે બોગસ કૉલ સેન્ટર પર કાર્યવાહી કરી ત્યારે ત્યાં એક મહિલા સહિત ૧૩ લોકો કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના કૉલ સેન્ટર ચલાવી રહ્યા હોવાનું જણાયું હતું. પોલીસને અહીંથી ૨૮ લૅપટૉપ, ૪૦ મોબાઇલ, બે રાઉટર અને ગુનો કરવામાં વાપરવામાં આવેલી અંદાજે ૭,૨૯,૦૦૦ રૂપિયાની માલમતા મળી આવતાં એ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં જણાયું હતું કે આરોપીઓ કૉલ સેન્ટરના માધ્યમથી સોશ્યલ મીડિયામાં દેશ-વિદેશના લોકોને મેસેજ અને જાહેરાત આપીને સસ્તામાં ફ્લાઇટની ટિકિટની સાથે ટૂર અને ટ્રાવેલ પૅકેજની ઑફર આપતા હતા. કોઈ વ્યક્તિ આવી ટિકિટ ખરીદવામાં રસ બતાવે તો તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા, પણ તેને ટિકિટ નહોતી અપાતી. આવી રીતે આરોપીઓએ અસંખ્ય લોકોને છેતર્યા હોવાની શક્યતા છે. ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાંથી આરોપીઓની આવતી કાલ સુધીની પોલીસ-કસ્ટડી મેળવીને આ લોકો કોણ છે અને તેમણે કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા છે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.