ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચમાં નેરુળના વેપારીએ ૧.૯૮ કરોડ રૂપિયા ગુમાવ્યા

07 September, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપારી પાસેથી આશરે ત્રણ મહિના સુધી ધીરે-ધીરે પૈસા લીધા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

નેરુળમાં રહેતા ૪૯ વર્ષના વેપારીએ જૂનથી ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ સાઇબર ફ્રૉડમાં ૧,૯૮,૩૮,૮૧૪ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ ગુરુવારે નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. હિના મિત્તલ નામની મહિલાએ વૉટ્સઍપ પર ક્રિપ્ટોકરન્સીની માહિતી આપીને અને તેના બીજા મિત્રોએ કરોડો રૂપિયાનો પ્રૉફિટ ટૂંક સમયમાં થયો હોવાનું કહીને વેપારી પાસેથી આશરે ત્રણ મહિના સુધી ધીરે-ધીરે પૈસા લીધા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

થોડા પૈસા ઇન્વેસ્ટ કરીને લાખો રૂપિયાનો પ્રૉફિટ ઍપ્લિકેશનમાં દેખાતાં વેપારીએ પોતાનું સેવિંગ્સ અને બીજા પાસેથી ઉધાર પૈસા લઈને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂન મહિનાની શરૂઆતમાં સોશ્યલ મીડિયા પર વેપારીએ ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને મોટો પ્રૉફિટ થતો હોવાની જાહેરાત જોઈ હતી. એના પર ક્લિક કરતાં એક ઑનલાઇન વેબસાઇટ ખૂલી હતી. એમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં તેમની ઓળખાણ હિના મિત્તલ નામની મહિલા સાથે થઈ હતી. તેણે ક્રિપ્ટોકરન્સી શું છે, કઈ રીતે કામ કરે છે અને તમારા પૈસા કઈ રીતે વધશે એની માહિતી વેપારી સાથે શૅર કરી હતી. એના પર વિશ્વાસ આવતાં વેપારી પૈસા ઇન્વેસ્ટ કરવા તૈયાર થતાં હિનાએ તેમને એક લિન્ક મોકલી હતી. એના પર ક્લિક કરતાં એક ઍપ્લિકેશન વેપારીના મોબાઇલમાં ડાઉનલોડ થઈ હતી. આ ઍપ્લિકેશનમાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરવા માટે વૉલેટમાં પૈસા જમા કરવાનું કહેવામાં આવ્યું હતું. વેપારીએ શરૂઆતમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એની સામે ટૂંક સમયમાં જ મોટો પ્રૉફિટ થયો હોવાનું ઍપ્લિકેશનમાં બતાવવામાં આવ્યું હતું. એ જોઈને વેપારીએ જૂન મહિનાની શરૂઆથી ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં ધીરે-ધીરે કરીને ૧,૯૮,૩૮,૮૧૪ રૂપિયા ભરી દીધા હતા. એની સામે આઠ કરોડ રૂપિયા કરતાં વધારે પ્રૉફિટ બતાવવામાં આવ્યો હતો. વેપારીએ જ્યારે એ પૈસા કાઢવાની કોશિશ કરી ત્યારે એ નીકળ્યા નહોતા. ઊલટું તેમને વધુ પૈસા ભરવા માટે કહેવામાં આવતાં તેમને સાઇબર ફ્રૉડ થયું હોવાની જાણ થઈ હતી. આ કેસમાં અમે રિકવરી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ.’

mumbai news mumbai nerul cyber crime Crime News mumbai crime news