રિપેરકામ તો થયું, પણ પાણી આવતુંય નથી ને એ વેચાતુંય મળતું નથી

06 December, 2023 07:32 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

અંધેરીમાં ફૂટેલી પાણીની પાઇપનું સમારકામ થઈ ગયું, પણ લોકોને હજી પાણી નથી મળી રહ્યું : વિલે પાર્લે અને અંધેરીના કેટલાય વિસ્તારોમાં પીવાના પાણીની બૉટલોની પણ અછત સર્જાઈ : ઑનલાઇન પાણી પણ મુશ્કેલીથી મળી રહ્યું છે અને ટૅન્કરના ભાવ પણ આસમાને

અંધેરી-ઈસ્ટના નાગરદાસ રોડ પર ટૅન્કરનું પાણી ભરવા ભેગા થયેલા સ્થાનિકો. ઉદય દેવરૂખકર

 અમે પાણી આપવાનું શરૂ કર્યું છે, પરંતુ એ લો-પ્રેશરથી આવશે. પાણીની સમસ્યાને પૂરી રીતે રિઝૉલ્વ થતાં હજી બેથી ત્રણ દિવસ લાગી જશે. 
મનીષ વલાંજુ,  અંધેરી કે-ઈસ્ટના અસિસ્ટન્ટ કમિશનર

મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે અંધેરીના સીપ્ઝના એન્ટ્રન્સ પાસે પાઇપલાઇનને નુકસાન થયું હોવાથી મુંબઈ મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે વેરાવલી જળાશયની ૧૮૦૦ મિલીમીટરની પાઇપલાઇનનું રિપેરિંગ કર્યું હતું. એને કારણે શનિવારે સવારે સાડાઆઠ વાગ્યાથી શરૂ થયેલું કામ સોમવારે બપોરે પૂરું થયું હતું. અંધેરી, સાંતાક્રુઝ, ખાર અને વિલે પાર્લેના કેટલાય વિસ્તારોમાં આની અસર થતાં રહેવાસીઓએ ઘાટકોપરવાસીઓની જેમ જ પાણી માટે વલખાં મારવા પડ્યાં હતાં. પીવા માટે પાણીની બૉટલની પણ અછત સર્જાતાં કેટલીયે જગ્યાએ લોકો પીવાના પાણી માટે તરસી ગયા હતા. 

અમારા વિસ્તારમાં તો હજી પણ એક લિટરની પાણીની બૉટલ પણ નથી મળી રહી એમ જણાવીને વિલે પાર્લે-ઈસ્ટમાં એમ. જી. રોડ પર રહેતા પ્રફુલ કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારથી પાણી બંધ થઈ ગયું છે. અમારી સોસાયટીમાં ૧૨ ફ્લૅટ અને પાંચ દુકાનો છે. અમે ટાંકીમાં સ્ટોર કરેલા પાણીને થોડું-થોડું છોડીએ છીએ. બીએમસીનું પાણી તો આવતું જ નથી. જેમ-તેમ કરીને ટૉઇલેટ અને નહાવા માટે પાણી મૅનેજ થઈ જાય છે, પરંતુ પીવા માટે પાણીની બૉટલ મળી રહી નથી. આસપાસની દુકાનોમાં, ઑનલાઇન બધે સોલ્ડ આઉટ જ કહે છે. મારી દીકરીએ ઑનલાઇન કોઈ રેસ્ટોરાંમાંથી જેમ-તેમ મૅનેજ કરીને ઘરે પાણીની બૉટલ મગાવી હતી. એક, પાંચ કે વીસ લિટરની પાણીની બૉટલ મળતી ન હોવાથી લોકોની પીવાનાં પાણી માટે હાલાકી વધી ગઈ છે.’

ત્રણ દિવસથી પાણી નથી અને જે સ્ટોર કર્યું હતું એ પણ વપરાઈ ગયું છે એમ જણાવીને વિલે પાર્લે-વેસ્ટમાં રહેતા કેતન ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં ૪૮ ફ્લૅટ છે. અમારી સોસાયટીમાં બોરવેલ નથી. ટૅન્કરવાળાઓ ફોન ઉપાડતા નથી અને જે ઉપાડે છે તે લોકો ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા માગી રહ્યા છે. આટલા પૈસા આપવા કેમ પરવડે? પાણીનાં કૅન લાવીને મૂક્યાં છે. જોકે એની પણ હવે તો શૉર્ટેજ થઈ રહી છે. નહાવા અને કપડાં ધોવા માટે પાણી નથી. બે દિવસથી લોકો હેરાન થઈ ગયા છે.’

અંધેરી-ઈસ્ટમાં રહેતા કૌશિક ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગમાં બોરવેલ છે એટલે ટૉઇલેટ માટે તો પાણીની વ્યવસ્થા થઈ જાય છે, પરંતુ નહાવા અને પીવાનાં પાણી માટે અસુવિધા થઈ ગઈ છે. એક ઘરમાં ૫૦ લિટરથી વધુ પાણીની બૉટલ વપરાઈ ગઈ છે. રાતે ૧૨ વાગ્યે ૧૦ મિનિટ જેટલું પાણી આવ્યું, જે જેમ-તેમ થોડું ચાલી ગયું છે. અમારા વિસ્તારમાં તો ટૅન્કરની પણ પરમિશન હાલમાં નથી. પીવાના પાણી માટે બહુ તકલીફ સર્જાઈ છે.’

અંધેરી કે-ઈસ્ટના અસિસ્ટન્ટ કમિશનર મનીષ વલાંજુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારથી અમે પાણી આપવાનું શરૂ કર્યું છે, પરંતુ એ લો-પ્રેશરથી આવશે. પાણીની સમસ્યાને પૂરી રીતે રિઝૉલ્વ થતાં હજી બેથી ત્રણ દિવસ લાગી જશે. આ માટે અમે એસ્ક્ટ્રા ટીમ પણ બનાવી છે. આ સમસ્યાનો બને એટલો જલદી ઉકેલ આવે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.’

andheri vile parle mumbai water levels urvi shah-mestry mumbai news brihanmumbai municipal corporation Mumbai