14 February, 2024 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ડિગોની ફ્લાઇટ
ચેન્નઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ મુંબઈથી માત્ર ૪૦ કિલોમીટર દૂર હતી ત્યારે પ્લેનના ટૉઇલેટમાંથી પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાનો મેસેજ મળી આવ્યો હતો. જોકે તપાસના અંતે કશું શંકાસ્પદ મળ્યું નહોતું.
ચેન્નઈથી ગઈ કાલે સવારે મુંબઈ આવવા નીકળેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-5188 મુંબઈ પહોંચવાની હતી એ પહેલાં જ ટૉઇલેટમાંથી ધમકીભર્યો મેસેજ મળ્યો હતો કે પ્લેનમાં બૉમ્બ મુકાયો છે. મેસેજ મળ્યાની જાણ થતાં તરત જ પાઇલટે આ બાબતે ઍર કન્ટ્રોલ ટાવર સાથે સંપર્ક કરીને એ માહિતી આપી હતી. ત્યાર બાદ પ્લેનને ૮.૪૭ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ કરવામાં આવ્યું હતું અને સાવચેતીનાં પગલાંરૂપે એને અલાયદા વિસ્તારમાં લઈ જવાયું હતું. ત્યાર બાદ બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડની ટીમ દ્વારા પ્લેનમાં મુકાયેલા એ બૉમ્બને શોધવા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. બે વાર ઝીણવટભરી તપાસ કરવા છતાં કશું જ ન મળી આવતાં પ્લેનને ક્લિયર જાહેર કરીને રેગ્યુલર કોર્સમાં પાછું લાવવામાં આવ્યું હતું. જોકે આ બધી જ પ્રોસીજર વખતે બધા જ પ્રોટોકૉલ સચવાયા હોવાનું બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટી દ્વારા કહેવાયું હતું.