21 January, 2024 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ દવાખાનામાં બોગસ ડૉક્ટર બેસતો હોવાની ફરિયાદ થતાં તે બંધ કરીને જતો રહ્યો હતો.
મુંબઈ : વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા લગભગ સાત મહિના પહેલાં કાર્યવાહી કરેલા એક બોગસ ડૉક્ટરે ફરી પોતાનું ક્લિનિક શરૂ કર્યું છે. જોકે કાર્યવાહીથી બચવા માટે આ વખતે ડૉક્ટરે સત્તાવાર ડૉક્ટરના નામ સાથે ક્લિનિકમાં પોતાનો ધંધો શરૂ કર્યો છે. આ પ્રકરણે કૉર્પોરેશન તપાસ કરીને કાર્યવાહી પણ કરશે. દરમિયાન વિરારમાં બોગસ ડૉક્ટર અસગર શેખ મહાનગરપાલિકામાં ફરિયાદ થતાં જ પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયો હતો.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશને ૨૦૨૩માં બોગસ ડૉક્ટરો સામે ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત ૧૯ ડૉક્ટરો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ બોગસ ડૉક્ટરો ફરી સક્રિય થયા છે. આવો જ એક કિસ્સો વિરારમાં પ્રકાશમાં આવ્યો છે. મ્યુનિસિપલ મેડિકલ ઑફિસર ડૉ. તૃપ્તિ કોકાટેની ફરિયાદ પર અર્નાળા પોલીસ સ્ટેશનમાં બોગસ ડૉક્ટર અસગર શેખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે અસગર શેખે ક્લિનિક ફરીથી ખોલ્યું છે. તેણે વિરારમાં એક માન્યતાપ્રાપ્ત ડૉક્ટરના ક્લિનિકમાં પોતાનું ક્લિનિક ખોલ્યું છે અને દરદીઓની તપાસ કરવાનું શરૂ કર્યું છે. આ ક્લિનિકમાં માન્યતાપ્રાપ્ત ડૉક્ટરનું નામ અને પદવી છે. તેની સાથે અસગર અલીનું નામ પણ છે. આ બોગસ ડૉક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે.
કાયદેસર ડૉક્ટરનું ક્લિનિક અને ડૉક્ટર બોગસ આ રીતે મહાનગરપાલિકાની નજરથી બચવા માટે નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી તો માન્યતાપ્રાપ્ત ડૉક્ટરનું સર્ટિફિકેટ દેખાડવાનું અથવા આ મારું ક્લિનિક નથી એમ કહીને છટકબારી કરવા જેવું છે એમ એક જાગૃત સામાજિક કાર્યકરે જણાવ્યું હતું. જો કોઈ માન્યતાપ્રાપ્ત ડૉક્ટર આ રીતે બોગસ ડૉક્ટરને મદદ કરી રહ્યા છે તો તે નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આવા ડૉક્ટર સામે તાકીદે કાર્યવાહી કરીને તેમની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી માગણી સામાજિક કાર્યકર રાજેન્દ્ર ઢગે કરી હતી. આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (આરોગ્ય વિભાગ) વિનોદ ડવલેએ જણાવ્યું હતું કે માહિતી લઈને કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન વિરારમાં બોગસ ડૉક્ટર અસગર શેખ મહાનગરપાલિકામાં ફરિયાદ થતાં જ પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયો હતો.