09 October, 2023 07:38 AM IST | Mumbai | Viral Shah
શનિવારે રાત્રે ઘાટકોપર (ઈસ્ટ)માં વૉર્ડ ઑફિસની પાસે આવેલા સર્કલ પર ગુજરાતીમાં લખવામાં આવેલું ‘મારું ઘાટકોપર’ શિવસેનાએ દૂર કરી નાખ્યું હતું.
મુંબઈ : વોટબૅન્કના રાજકારણને ધ્યાનમાં રાખીને મુંબઈમાં મરાઠી-ગુજરાતીઓ વચ્ચે ખાઈ ઊભી કરવાનો પૉલિટિશ્યનો એક પણ મોકો છોડી રહ્યા ન હોવાનું અત્યારે બની રહેલી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. વધુ એક આવી ઘટનામાં શનિવારે રાત્રે ઘાટકોપર (ઈસ્ટ)માં વૉર્ડ ઑફિસની પાસે આવેલા તીન બત્તી નાકા પર (હવેલી બ્રિજ)ના સર્કલને સુશોભિત કરીને ત્યાં મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ‘મારું ઘાટકોપર’ લખવામાં આવ્યું હતું. જોકે ૨૦૧૬માં અસ્તિત્વમાં આવેલા આ ડેકોરેટિવ શબ્દોમાંથી ગુજરાતી ભાષામાં લખવામાં આવેલા અક્ષરોને શનિવારે મોડી રાત્રે તોડી પાડવામાં આવ્યા હતા અને એની બાજુમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સૈનિકોએ મરાઠીમાં ‘જય મહારાષ્ટ્ર. માઝં ઘાટકોપર. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ લખેલું બૅનર લગાવી દીધું હતું. આ જ શિવસેનાએ ૨૦૨૧માં બીએમસીની ચૂંટણી યોજાશે એને ધ્યાનમાં રાખીને ગુજરાતીઓને પોતાની બાજુ કરવા માટે જોરદાર કોશિશ કરી હતી. એની ગુજરાતી પાંખે ‘જલેબી ને ફાફડા, ગુજરાતીઓ આપણા’ સ્લોગનની સાથે મુંબઈના ગુજરાતીઓ માટે એક પ્રોગ્રામ રાખ્યો હતો.
અહીં નવાઈની વાત એ છે કે આ ત્રિકોણીય સર્કલ પર ત્રણેય ભાષામાં એક જ સાઇઝના ફૉન્ટમાં આ લખવામાં આવ્યું હોવા છતાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપે એને તોડી નાખ્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ ‘પરાક્રમ’ની જવાબદારી લેવા માટે ઠાકરે ગ્રુપનો એક પણ નેતા આગળ નથી આવ્યો.
આ ઘટનાના થોડા દિવસ પહેલાં જ મુલુંડની સોસાયટીમાં એક મહારાષ્ટ્રિયન મહિલાને કથિત રીતે ભાડા પર ફ્લૅટ ન આપવાના મુદ્દે જબરદસ્ત બબાલ થઈ હતી અને એ સોસાયટીના સેક્રેટરી અને તેમના પુત્રની ખિલાફ ફરિયાદીએ ઇચ્છા ન હોવા છતાં પૉલિટિકલ પ્રેશરને લીધે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ભાંડુપના એક રિક્ષાવાળાએ આ ઘટનાનો બદલો લેવા પોતાની રિક્ષાની પાછળ ઘૃણાસ્પદ કરતૂતવાળું એક બૅનર લગાવ્યું હતું જેમાં તેણે મરાઠીમાં લખ્યું હતું કે ‘જય મહારાષ્ટ્ર. મુંબઈચા રિક્ષાવાલા. ગુજરાતી આણિ કુત્ર્યાંના પરવાનગી નાહી (અર્થાત્ જય મહારાષ્ટ્ર. મુંબઈનો રિક્ષાવાળો. ગુજરાતી અને કૂતરાઓને પરવાનગી નથી).’
૨૦૧૬માં મહાનગરપાલિકામાં જ્યારે શિવસેના-બીજેપીની સત્તા હતી ત્યારે એ સમયના બીએમસીના વિરોધ પક્ષના નેતા અને કૉન્ગ્રેસના નગરસેવક પ્રવીણ છેડાએ હાઉસમાં મંજૂર કરાવીને પોતાના નગરસેવક ફન્ડમાંથી આ સર્કલને સુશોભિત કરાવ્યું હતું. શનિવાર રાતની ઘટના વિશે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૬માં મેં નગરસેવક ફન્ડમાંથી આ સર્કલનું બ્યુટિફિકેશન કરાવ્યું હતું જેમાં મરાઠી, અંગ્રેજી અને ગુજરાતીમાં અનુક્રમે ‘માઝે ઘાટકોપર’, ‘માય ઘાટકોપર’ અને ‘મારું ઘાટકોપર’ લખ્યું હતું. ત્રણેય ભાષાના લખાણના ફૉન્ટની સાઇઝ સરખી રાખવામાં આવી છે. અમે જ્યારે કોઈ ભાષા કે વ્યક્તિ સાથે અન્યાય નથી કર્યો તો ગુજરાતીઓ સાથે આ અન્યાય કેમ? આટલાં વર્ષ બાદ એને તોડી પાડવાનું કારણ મને પણ નથી સમજાતું.’
છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મીડિયામાં આ સર્કલ પરના ગુજરાતી ભાષાના લખાણને જબરદસ્ત વાઇરલ કરવામાં આવ્યું હતું અને એમાં અશોભનીય કમેન્ટ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સ્થાનિક વૉર્ડ ઑફિસને ગુજરાતીનું લખાણ દૂર કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. જોકે તેઓ કંઈ કરે એ પહેલાં શનિવારે રાત્રે ઠાકરે ગ્રુપના કાર્યકરોએ એને તોડી પાડ્યું હતું.
આ બાબતે ઉદ્ધવ ગ્રુપના શિવસેનાના નેતા અને ઈશાન મુંબઈથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરનારા સંજય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતની મારી પાસે માહિતી નથી. હું ઇન્ફર્મેશન લઈને તમને જણાવું છું.’
ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ઉપવિભાગ પ્રમુખ મહેશ જંગમે કહ્યું હતું કે ‘કોણે આ કામ કર્યું છે એની મને જાણ નથી, પણ હું એટલું જરૂર કહી શકું કે જેણે પણ કર્યું છે તે મરાઠીપ્રેમી હશે. આ મહારાષ્ટ્ર છે અને બીએમસીમાં પણ ઑફિશ્યલ ભાષા ગુજરાતી નથી.’
પંતનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિદત્ત સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને હજી સુધી કોઈની ફરિયાદ મળી નથી. આમ છતાં અમારો સ્ટાફ ઘટનાસ્થળે જઈને પંચનામું કરી આવ્યો છે.’