ફરવાનાં શોખીન મુંબઈનાં મહિલાએ ફરવા ગયાં ત્યારે જ જીવ ગુમાવ્યો

18 July, 2024 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મે મહિનામાં કાશ્મીર, જૂનમાં ગોવા અને ત્રણ દિવસ પહેલાં પતિ સાથે મહાબળેશ્વર ગયાં હતાં ત્યાં હાર્ટ-અટૅક આવતાં ઢળી પડ્યાં

મહાબળેશ્વરમાં અંતિમ શ્વાસ લેનારાં જ્યોતિ સરાફ.

મુંબઈનાં ૫૩ વર્ષનાં મહિલા જ્યોતિ અને તેમના પતિ જયેન્દ્ર સરાફને હરવા-ફરવાનો ખૂબ શોખ એટલે તેમણે એક ક્લબની મેમ્બરશિપ લીધી છે. દર વર્ષે તેઓ મનગમતાં સ્થળોએ ફરવા ઊપડી જાય છે. તેઓ મે મહિનામાં જમ્મુ-કાશ્મીર અને જૂન મહિનામાં ગોવા ફરવા ગયાં હતાં અને ત્રણ દિવસ પહેલાં બે નાઇટ માટે મહાબળેશ્વરમાં હતાં. જોકે મહાબળેશ્વરમાં બૅન્કનાં ઑફિસર જ્યોતિને ‌સિવિયર અટૅક આવતાં તેમનું સોમવારે રાત્રે કરુણ અવસાન થયું હતું. તેઓ દરરોજ ​સ્વિમિંગ કરીને જ ઑફિસ જતાં અને તેમને નખમાં પણ કોઈ રોગ નહોતો.

મહાબળેશ્વર પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ સંતોષ શેલારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં ચર્ની રોડના ઠાકુરદ્વાર વિસ્તારમાં રહેતાં જ્યોતિ અને જયેન્દ્ર સરાફ અહીંની ક્લબ મહિન્દ્ર શેરવુડ હોટેલમાં રોકાયાં હતાં. ૬૦૫ નંબરની રૂમમાં પતિ-પત્ની હતાં ત્યારે સોમવારે રાત્રે દસેક વાગ્યે જ્યોતિ સરાફને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. તેમને તાત્કાલિક અહીંની ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. સિવિયર હાર્ટ-અટૅક આવવાને લીધે જ્યોતિનું મૃત્યુ થયું હોવાનું ડૉક્ટરે કહ્યું હતું. અમે જ્યોતિ સરાફના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જ્યોતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના પતિને સોંપવામાં આવ્યો છે.’

શું કહે છે જ્યોતિ સરાફના પતિ?

જ્યોતિ સરાફના પતિ જયેન્દ્ર સરાફે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બન્ને રાત્રે જમીને રૂમમાં બેસીને આરામ કરતાં હતાં ત્યારે જ્યોતિની તબિયત બગડી હતી. હૉસ્પિટલ પહોંચીએ એ પહેલાં જ તેનું ગણતરીની મિનિટમાં મૃત્યુ થઈ ગયું હતું. તે એક પ્રાઇવેટ બૅન્કમાં ઑફિસર હતી અને તેને ફરવાનો ખૂબ શોખ હતો એટલે અમે દર વર્ષે જુદા-જુદા સ્થળે ફરવા ઊપડી જતાં. તેને હાર્ટની કે બીજી કોઈ બીમારી નહોતી. જ્યોતિને ​સ્વિમિંગનો ખૂબ શોખ હતો એટલે તે ઑફિસ જતાં પહેલાં ચર્ની રોડ-વેસ્ટમાં આવેલા મફતલાલ ​સ્વિમિંગ-પૂલમાં જતી. કુદરતી વાતાવરણની શોખીન જ્યોતિ આવી રીતે અચાનક કુદરતી વાતાવરણમાં જ જતી રહી છે એ માનવામાં નથી આવતું.’

mumbai news mumbai mahabaleshwar Crime News mumbai crime news