બંગલાદેશના હિન્દુઓ સામેની હિંસાના વિરોધ-પ્રદર્શનમાં પથ્થરમારો- નાશિક-જળગાવમાં તંગદિલી

17 August, 2024 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોમી રમખાણ ફાટી ન નીકળે એટલા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી

નાશિકમાં હિન્દુઓના વિરોધ-પ્રદર્શન વખતે પથ્થરમારા બાદ આવી સ્થિતિ જોવા મળી હતી.

બંગલાદેશમાં હિન્દુઓ પર કરવામાં આવી રહેલા અત્યાચારનો વિરોધ કરવા માટે ગઈ કાલે મહારાષ્ટ્રના નાશિક અને જળગાવમાં હિન્દુ સંગઠનોએ બંધ જાહેર કર્યો હતો. બંધ દરમ્યાન વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો કરતાં તંગદિલી ઊભી થઈ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જળગાવમાં સવારના સમયે સકલ હિન્દુ સમાજના લોકોએ
વિરોધ-પ્રદર્શન કર્યું ત્યારે ટૂ-વ્હીલરના શોરૂમ પર કેટલાક લોકોએ પથ્થરમારો કરતાં કાચ તૂટી ગયા હતા. આવી જ રીતે નાશિકમાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ-પ્રદર્શન થતું હતું ત્યારે કેટલાક લોકો પથ્થરમારો કર્યો હતો. આથી બન્ને સમાજના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ ખરાબ થઈ હતી. કોમી રમખાણ ફાટી ન નીકળે એ માટે લોકો પર હળવો લાઠીચાર્જ કરીને વિખેરી નાખવામાં આવ્યા હતા. 

સંભાજીનગરમાં પોલીસ-સ્ટેશનને ઘેરવામાં આવ્યું

મહંત રામગિરિ મહારાજના મુસ્લિમ સમાજના નિવેદન બાદ ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં સિટી ચૌક પોલીસ-સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં મુસ્લિમો એકઠા થયા હતા અને તેમણે મહંત સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી. નાશિકના સિન્નર તાલુકામાં આવેલા પંચાળે ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રવચન કરતી વખતે અહમદનગર જિલ્લાના સરલા બેટના મહંત મઠાધિપતિ રામગિરિ મહારાજે મુસ્લિમોની ભાવના દુભાય એવું નિવેદન કર્યું હતું. મોહમ્મદ પયગમ્બર વિશે તેમણે વાંધાજનક શબ્દો કહ્યા હતા એનો વિડિયો વાઇરલ થયો હતો. આથી મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો.

ગુનો નોંધાયા બાદ મહંતે શું કહ્યું?

મુસ્લિમોની ધાર્મિક લાગણી દૂભવવા બદલ મહંત સામે બે પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં મહંત રામગિરિ મહારાજે મીડિયાને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘બંગલાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અમારી પાસે માહિતી છે કે બંગલાદેશમાં એક મહિલા પર ૩૦ લોકોએ બળાત્કાર કર્યો છે. દોઢ કરોડ હિન્દુઓ ભારતની સીમા પર ઊભા છે. તેઓ ભારતમાં આશ્રય આપવાની માગણી કરી રહ્યા છે. આ જોઈને અમે કહ્યું હતું કે હિન્દુઓએ પણ મજબૂત થવું જોઈએ. બંગલાદેશમાં જે થયું એ ભારતમાં ન થવું થવું જોઈએ. અન્યાય કરનારા જેમ અપરાધી છે એમ સહન કરનારા પણ ગુનેગાર હોય છે. આથી આપણે અન્યાયનો પ્રતિકાર કરવો જોઈએ. આપણો ધર્મ અને સંસ્કૃતિ શાંતિના માર્ગે ચાલે છે, પણ કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો આપણે પણ તેમને જવાબ આપવાની તૈયારી રાખવી જોઈએ. હું મારા નિવેદન પર કાયમ છું.’

nashik jalgaon bangladesh mumbai news mumbai hinduism