24 September, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦ લાખ રૂપિયાની કૅશ મળી આવ્યા બાદ એનું કાઉન્ટિંગ કરીને એ કોની છે એની તપાસ કરી રહી છે કલ્યાણ પોલીસ.
મુંબઈની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનમાં લોકો કોઈ ને કોઈ ચીજવસ્તુ ભૂલી જવાની ઘટના અવારનવાર બનતી હોય છે. જોકે કોઈ ૨૦ લાખ રૂપિયાની રોકડ ભરેલી બૅગ ભૂલી જાય એવું માનવામાં આવતું નથી અને છતાં એવી ઘટના બની છે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ જતી ટ્રેનના પ્રવાસીઓએ એક બૅગ નધણિયાતી પડેલી જોઈ હતી. તેમણે એ વિશે કલ્યાણમાં રાતે ૧૧ વાગ્યે ગવર્નમેન્ટ રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રૉપર પંચનામું કરીને એ બૅગ પોતાના તાબામાં લીધી હતી અને એ ખોલીને તપાસ કરતાં એમાંથી ર૦ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આટલી મોટી રકમ મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. એ બૅગમાં ૫૦૦ રૂપિયાની નોટોનાં બંડલ હતાં. કાઉન્ટ કરતાં એ રકમ ૨૦ લાખ રૂપિયાની હોવાનું જણાઈ આવ્યું હતું. આટલી મોટી રકમ કોઈ ભૂલી જાય એવું જલદી માન્યામાં આવે એવું નહોતું. બીજી એવી પણ શક્યતા ચકાસાઈ રહી હતી કે કોઈ આ રકમ છોડીને ચાલ્યું ગયું હોય. કલ્યાણ પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે એ બૅગ લઈને કોણ અને ક્યાંથી ટ્રેનમાં ચડ્યું એ શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે.