30 October, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
એમ કહીને કાંદિવલીનાં ગુજરાતી મહિલા પાસેથી ખંખેરી લેવાયા ૧૪ લાખ રૂપિયા
કાંદિવલીનાં ૬૭ વર્ષનાં ગુજરાતી સિનિયર સિટિઝન મહિલા પાસેથી સાઇબર ગઠિયાએ તેમની ડિજિટલ અરેસ્ટ થઈ હોવાનું કહીને ૧૪ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ વેસ્ટર્ન સબર્બ સાઇબર પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. આ મહિલાને અજાણ્યા યુવાને ફોન કરીને તમારા આધાર કાર્ડનો ઉપયોગ હાઈ પ્રોફાઇલ મની-લૉન્ડરિંગ કેસમાં થયો હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ મહિલાના ખાતામાં રહેલા પૈસા વેરિફિકેશન માટે મગાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીએ હજી આ રવિવારે જ ‘મન કી બાત’માં ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી એ વાત પર ભાર મૂકીને સાઇબર ફ્રૉડ સામે લોકોને ચેતવ્યા હતા એવા સમયે આ ઘટના પ્રકાશમાં આવી છે.
તમારી ઉંમરને ધ્યાનમાં લેતાં હાલમાં તમને ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છીએ એટલે તમારે કોઈને મળવાનું નથી કે કોઈ વાત કરવાની નથી એમ કહીને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા એમ જણાવતાં વેસ્ટર્ન સબર્બ સાઇબર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અમોલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંદિવલીમાં એકલી રહેલી મહિલાને પહેલી સપ્ટેમ્બરે અજાણ્યા યુવાને ફોન કરીને પોતાની ઓળખ ટેલિકૉમ ડિપાર્ટમેન્ટમાંથી વિનયકુમાર તરીકે આપી હતી. ત્યાર પછી તેણે મહિલાને જણાવ્યું હતું કે દિલ્હી સાઇબર ક્રાઇમ વિભાગમાં તમારી સામે એક ફરિયાદ નોંધાઈ છે જે પ્રમાણે તમારા આધાર કાર્ડનો ઉપયોગ એક મોટા મની-લૉન્ડરિંગ કેસમાં કરવામાં આવ્યો છે. આ સાંભળીને મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે તમારો ફોન દિલ્હીના સાઇબર વિભાગમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ. એ પછી રાકેશકુમાર નામની વ્યક્તિએ મહિલા સાથે વાત કરીને કહ્યું હતું કે તમારી સામે નોંધાયેલો ગુનો ખૂબ જ ગંભીર છે એટલે તમને ત્રણથી પાંચ વર્ષની જેલ થઈ શકે છે અને એ માટે તમારે તાત્કાલિક દિલ્હી આવવું પડશે. આગળ તે યુવાને કહ્યું હતું કે તમે ખૂબ જ ઇનોસન્ટ લાગો છો એટલે તમારી અમે હાલમાં ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છીએ, તમારે કોઈને કંઈ પણ કહેવાનું નથી અને જો તમે કોઈને કંઈ પણ કહેશો તો એ માટે અલગથી એક વર્ષની સજા કરવામાં આવશે એટલે હું જેમ કહું છું એમ તમારે કરવાનું છે. એમ કહીને તેણે બૅન્ક-ખાતાની માહિતી અને મ્યુચ્યુઅલ ફન્ડ તથા ફિક્સ્ડ ડિપોઝિટની તમામ માહિતીઓ પૂછી હતી અને એ તમામ તોડાવીને એ પૈસા વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું. આ બધાથી મહિલા એટલી ગભરાઈ ગઈ હતી કે તેણે પોતાના મોબાઇલથી તમામ પૈસા સાઇબર ગઠિયાને બે ટ્રાન્ઝૅક્શનમાં મોકલી દીધા હતા. ત્યાર બાદ મહિલાને કહેવામાં આવ્યું કે થોડા દિવસમાં સુપ્રીમ કોર્ટથી તમારું ક્લિયરન્સ સર્ટિફિકેટ આવશે એ પછી તમારે કોઈને પણ વાત કરવાની છે. જોકે એક મહિના સુધી કોઈ સર્ટિફિકેટ ન મળતાં આ ઘટનાની તેણે વિદેશમાં રહેતા પુત્રને જાણ કરતાં સાઇબર છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. આ કેસમાં અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’
ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું : પોલીસ
પોલીસ કે પછી બીજી કોઈ સરકારી એજન્સીના નામે તમને ફોન કરવામાં આવે તો એની ચકાસણી કરવા તમે તાત્કાલિક નજીકના પોલીસ-સ્ટેશનમાં જાઓ એમ જણાવતાં મુંબઈ સાઇબર વિભાગનાં સિનિયર ઇન્સ્પેક્ટર સુવર્ણા શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઇબર ગઠિયાઓની આ નવી કાર્યપદ્ધતિ સામે આવી છે અને આવી ફરિયાદો રોજબરોજમાં અમારી સામે આવતી થઈ છે. જો તમને કોઈ વ્યક્તિ દ્વારા પોતે સરકારી એજન્સી હોવાનો દાવો કરતો ફોન આવે તો તમારે સૌથી પહેલાં નજીકના પોલીસ-સ્ટેશનમાં જઈને તપાસ કરવાની છે. ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી. પોલીસ હોય કે પછી રાજ્ય અથવા કેન્દ્રની કોઈ પણ બીજી સુરક્ષા એજન્સી, એ તમને લેખિતમાં માહિતી આપે છે. એ પછી જ તમારી ધરપકડ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આવી છેતરપિંડીનો શિકાર થઈ હોય તો તેણે તાત્કાલિક 1930 પર પોતાની ફરિયાદ નોંધાવવી જોઈએ.’