૨.૪૨ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પર ફક્ત એક મહિનામાં ૮.૭૫ કરોડ રૂપિયાનો નફો

04 August, 2024 06:44 AM IST  |  Mumbai | Mehul Jethva

આવું કોઈ કહે ને તમે માનો એનો મતલબ કહતા ભી દીવાના, સુનતા ભી દીવાના : નેરુળમાં રહેતા સિનિયર સિટિઝને સ્ટૉકમાર્કેટના ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં પોતાની જીવનભરની મૂડી ગુમાવી દીધી

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના નેરુળમાં રહેતા ૬૬ વર્ષના સિનિયર સિટિઝને જૂન અને જુલાઈ દરમ્યાન સ્ટૉકમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં ૨.૪૨ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ હતી. સાઇબર ગઠિયાએ ગણપતિ સ્ટૉક ક્લબ એફ ૯૫ નામના વૉટ્સઍપ ગ્રુપમાં સિનિયર સિટિઝનને ઍડ કરી ૩૦૦ ટકા કરતાં વધારે નફો મેળવી આપવાની લાલચ આપીને ધીરે-ધીરે ૧૭ ટ્રાન્ઝૅક્શનમાં પૈસા લેવામાં આવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

નેરુળના સેક્ટર ૧૯માં રહેતા સિનિયર સિટિઝન ફરિયાદી ૨૦૧૬માં એક મોટી કંપનીમાંથી નિવૃત્ત થયા હતા અને કંપનીમાંથી નિવૃત્તિ સમયે મળેલા પૈસામાંથી પત્ની સાથે પોતાનો ગુજારો કરી રહ્યા હતા. જોકે આ સાઇબર ફ્રૉડમાં તેમણે પોતાની તમામ જમાપૂંજી ગુમાવી દીધી છે એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૩ જૂને અંજલિ નામની મહિલાએ સિનિયર સિટિઝનને ગણપતિ સ્ટૉક ક્લબ એફ ૯૫ નામના વૉટ્સઍપ ગ્રુપમાં એડ કર્યા હતા. એમાં બલ્ક ટ્રેડિંગ, ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO), અપર સર્કિટ (UC) શૅરોમાં રોકાણ કરવાથી ૩૦૦ ટકા નફો મળશે એવી માહિતી આપવામાં આવી હતી. આ તમામ માહિતી મળ્યા બાદ સિનિયર સિટિઝન સ્ટૉકમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર થવાથી અંજલિએ ઑનલાઇન ટ્રેડિંગ શરૂ કરવા માટે એક લિન્ક મોકલી હતી. એ લિન્ક ખોલવામાં આવી ત્યારે ગણપતિ સ્ટાર નામની ઍપ્લિકેશન ખૂલી હતી. આ ઍપ્લિકેશનમાં ફરિયાદીએ લૉગ-ઇન કરીને સ્ટૉકમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની શરૂઆત કરી હતી. ૨૩ જૂનથી ૨૫ જુલાઈ સુધીમાં તેમણે ૨.૪૨ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા હતા. એની સામે ૮.૭૫ કરોડ રૂપિયાનો નફો પણ જોવા મળ્યો હતો. જોકે ફરિયાદીએ પોતાના પૈસા સહિત નફાની રકમ કાઢવાની કોશિશ કરી ત્યારે કુલ રકમના ૧૦ ટકા ટૅક્સ ભરવાનું કહીને આશરે ૭૦ લાખ રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેમણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’

mumbai mumbai news nerul navi mumbai cyber crime mehul jethva mumbai crime branch