પનવેલની ૫૩ વર્ષની મહિલા ડૉક્ટર બની સાઇબર ફ્રૉડનો ​શિકાર

06 July, 2024 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇબર ગઠિયાએ આયરલૅન્ડના પ્લાસ્ટિક સર્જ્યન તરીકે તેની સાથે ૧૧ મહિના વાતો કરીને તેને પ્રેમજાળમાં ફસાવી અને ૨૮,૦૬,૪૦૦ રૂપિયા પડાવી લીધા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પનવેલમાં રહેતી ૫૩ વર્ષની મહિલા ડૉક્ટર સાથે જૂન ૨૦૨૩માં લિન્ક્ડ-ઇન વેબસાઇટ પર એક અજાણ્યા યુવાને મિત્રતા કરીને ૨૮,૦૬,૪૦૦ રૂપિયાની સાઇબર છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ગુરુવારે નોંધાઈ છે. મ​હિલા ડૉક્ટર સાથે છેતરપિંડી કરવા સાઇબર ગઠિયાએ પોતાની ઓળખ આયરલૅન્ડના પ્લાસ્ટિક સર્જ્યન તરીકે આપી હતી એટલું જ નહીં, મહિલા ડૉક્ટરને વિશ્વાસમાં લેવા ૧૧ મહિના તેની સાથે વૉટ્સઍપ પર નિયમિત ચૅટિંગ કર્યું હતું.

પનવેલમાં એક પુત્રી સાથે રહેતી ૫૩ વર્ષની મહિલા ડૉક્ટર મરોલની એક મોટી હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરે છે એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા ડૉક્ટરની લિન્ક્ડ-ઇન પ્રોફાઇલ પર ૨૦૨૩ની ૩૦ જૂને ડૉ. જોસ ફર્ના​ન્ડિસના નામે એક મેસેજ આવ્યો હતો. એમાં ડૉ. જોસે પોતાની ઓળખ પ્લાસ્ટિક સર્જ્યન તરીકે આપીને પોતે આયરલૅન્ડથી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ બન્નેએ એકબીજાનો નંબર એક્સચેન્જ કર્યો હતો. આશરે ૧૧ મહિના સુધી તેમણે નિયમિત વૉટ્સઍપ પર ચૅ​ટિંગ કર્યું હતું. વૉટ્સઍપ પર ચર્ચા કરતી વખતે ડૉ. જોસે કહ્યું હતું કે તેના ડિવૉર્સ થઈ ગયા છે અને તે પોતાના જેવું ક્ષેત્ર ધરાવતી લાઇફ- પાર્ટનર શોધી રહ્યા છે. એ પછી તેમણે મહિલા ડૉક્ટરને પોતાની સાથે લગ્ન કરવાનો આગ્રહ કર્યો હતો જે માટે મહિલા તૈયાર થઈ ગઈ હતી. આ ચૅ​ટિંગમાં ડૉ. જોસે જૂનની શરૂઆતમાં તે મુંબઈ આવવાનો હોવાની વાત મહિલા ડૉક્ટરને કરી હતી. દરમ્યાન ૧૧ જૂને મહિલા ડૉક્ટરને દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી રાકેશ વર્મા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે ડૉ. જોસ અને તેના પુત્ર પાસેથી આઠ લાખ રૂપિયાનું વિદેશી ચલણ મળી આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ભારતમાં તે માત્ર તમને જ ઓળખે છે. મહિલા ડૉક્ટરે જ્યારે તેમને છોડી મૂકવાની વિનંતી કરી ત્યારે નોંધણી ફીરૂપે શરૂઆતમાં ૭૨,૦૦૦ રૂપિયા માગ્યા હતા જે તાત્કાલિક મહિલા ડૉક્ટરે ઑનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યાર બાદ દસ દિવસ સુધી ધીરે-ધીરે કરીને ડૉક્ટરને અલગ-અલગ ચા​ર્જિસ કહીને ૧૦ ટ્રાન્ઝૅક્શનમાં ૨૮,૦૬,૪૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા એટલું જ નહીં, ડૉક્ટરે ડૉ. જોસ સાથે વાત કરવાનો આગ્રહ કર્યો ત્યારે સામેના સાઇબર ગઠિયાએ કહ્યું કે હાલમાં ડૉ. જોસની તબિયત ખરાબ છે એટલે તેમને મુંબઈ ઍમ્બ્યુલન્સમાં મોકલવા પડશે એમ કહીને વધુ પૈસાની માગણી કરવામાં આવી હતી. અંતે મહિલા ડૉક્ટરને તેની સાથે થયેલી છેતરપિંડી ધ્યાનમાં આવતાં તેણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’

નવી મુંબઇ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે એની વિગતવાર માહિતી અમે કાઢી રહ્યા છીએ. એ સાથે જે અકાઉન્ટમાં અમને પૈસા મળી રહ્યા છે એને ફ્રીઝ કરવામાં આવી રહ્યું છે.’

mumbai news mumbai panvel cyber crime