ફેમસ કચ્છી DJએ આત્મહત્યા કરી

17 September, 2024 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરિયાણાની દુકાન સંભાળવાની સાથે જ ડિસ્ક જૉકી તરીકે કામ કરતા નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાધો

નરેન્દ્ર વિકમાણી

આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જૉકી (DJ) તરીકે પણ કામ કરતા ૪૮ વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાન ન કરતા. નરેન્દ્રભાઈએ આત્મહત્યા કરી હોવાથી ખડકપાડા પોલીસે એ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) કરીને વધુ કાર્યવાહી કરી હતી.  

મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞા​તિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને ૨૦ વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જૉબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.’

અન્ય એક સંબંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જૉકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ ‘નરુ કા DJ’ તરીકે ફેમસ થઈ ગયા હતા. જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં ૫૦ કરતાં વધુ યુવાનો જોડાયા હતા.’

mumbai news mumbai suicide kutchi community gujaratis of mumbai gujarati community news