પ્રતિક્રમણ દરમ્યાન મુલુંડના રાજસ્થાની જૈન વેપારીનું હાર્ટ-અટૅકથી મોત

04 September, 2024 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મફત સોનિગરા તેના રાજસ્થાન શ્વેતાંબર જૈન સમાજમાં ખૂબ જ સક્રિય હતો

મફત સોનિગરા

મુલુંડ-વેસ્ટના તાંબેનગરમાં આવેલા અમૃત ટાવરમાં ૪૩ વર્ષના મફત બાબુભાઈ સોનિગરાને જૈનોના સાંજના પ્રતિક્રમણ દરમ્યાન અટૅક આવતાં પ્રતિક્રમણમાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવથી તાંબેનગર અને રાજસ્થાન જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ બાબતની માહિતી આપતાં મફત સોનિગરાના મિત્ર અને બિઝનેસમૅન પ્રમોદ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૌડવાલ ઓસવાલ જૈન સમાજના મફત સોનિગરાને કોઈ જ હેલ્થ-પ્રૉબ્લેમ નહોતો. ધાર્મિક વૃત્તિ ધરાવતો મારો મિત્ર ગઈ કાલે પર્યુષણ પર્વ હોવાથી સોમવારે સાંજના તેની જ સોસાયટીના પાંચમા માળે ઘરેથી ચોવિહાર કરીને પ્રતિક્રમણ કરવા ગયો હતો. પ્રતિક્રમણ દરમ્યાન એક વિધિમાં મિચ્છા મિ દુક્કડં (ક્ષમાપના) કરવાનું આવે છે એ ક્ષમાપના કર્યા પછી અચાનક જ હાર્ટ-અટૅક આવતાં તેણે ત્યાં જ માથું નમાવી દીધું હતું. સંઘના કાર્યકરો તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.’

મુલુંડમાં ઇલેક્ટ્રિક દુકાનનો માલિક મફત સોનિગરા તેના રાજસ્થાન શ્વેતાંબર જૈન સમાજમાં ખૂબ જ સક્રિય હતો એમ જણાવતાં પ્રમોદ જૈને કહ્યું હતું કે ‘તેના ધર્મમય અને સાલસ સ્વભાવ પ્રમાણે તેને સમાધિ-મોત મળ્યું હતું. તેના પરિવારમાં મમ્મી, પત્ની અને બે નાનાં બાળકો છે. તે પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો. તે પર્યુષણમાં સવારે પૂજા-સેવા, સવાર-સાંજના પ્રતિક્રમણ અને ચોવિહાર કરતો હતો. તે સમાજમાં કોઈને પણ તકલીફ પડે તો તન, મન અને ધનથી ખડેપગે ઊભો રહેતો હતો. સોમવારે તેણે પ્રતિક્રમણ પૂરું થયા પછી થાણે એક ફંક્શનમાં જવાનું હતું.’

mumbai news mumbai mulund jain community gujarati community news gujaratis of mumbai heart attack