26 June, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય અસરાની
બાંદરા-વેસ્ટમાં પેરી રોડ પર રહેતો ૪૦ વર્ષનો હોટેલિયર વિજય અસરાની રવિવારે વહેલી સવારે ટર્નર રોડથી કાર્ટર રોડ તરફ વૉક કરીને જઈ રહ્યો હતો ત્યારે લોખંડની આઇટમો લઈને જતી એક ટ્રકમાંથી પડેલી લોખંડની વસ્તુ તેના માથા પર અથડાતાં તેનું મૃત્યુ થયું હતું. બાંદરા પોલીસે ૪૧ વર્ષના ઍકનોંધીને તેની ધરપકડ કરી છે. આરોપી મંઝૂર એ સમયે નશામાં હતો કે કેમ એની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
વિજય અસરાનીનાં લગ્ન નહોતાં થયાં. તે બાંદરામાં માતા-પિતા સાથે રહીને પોતાની હોટેલ ચલાવતો હતો. તેના સંબંધી શિવેન શાહની ફરિયાદના આધારે અમે ડ્રાઇવર મંઝૂર અન્સારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે એમ જણાવતાં બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે ત્રણથી સાડાત્રણ વાગ્યાની વચ્ચે વિજય ટર્નર રોડથી કાર્ટર રોડ તરફ પગપાળા જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રક ત્યાંથી ઝડપથી પસાર થઈ હતી અને ટર્નર રોડ પરના એક વૃક્ષ સાથે જઈને અથડાઈ હતી. આ દરમ્યાન ટ્રક સાથે બાંધેલી લોખંડની કોઈ વસ્તુ ત્યાંથી પસાર થતા વિજયના માથા સાથે અથડાઈ હતી, જેમાં તે ગંભીર રીતે જખમી થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક ભાભા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં વિજય ક્યાંથી આવી રહ્યો હતો કે ક્યાં જઈ રહ્યો હતો એટલું જ નહીં, તે મૉર્નિંગ વૉક માટે નીકળ્યો હતો કે હોટેલથી પાછો આવી રહ્યો હતો એની તપાસ કરવામાં આવી રહી છે. એ સાથે ડ્રાઇવરનાં બ્લડ-સૅમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યાં છે. એ સમયે તે નશામાં હતો કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે.’
વિજયના સંબંધી શિવેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ આ ઘટના બાદ અમે ખૂબ જ દુખી છીએ એટલે હાલમાં આ વિષય પર કંઈ જ કહી નહીં શકીએ. હાલમાં અમને પણ માહિતી નથી મળી કે વિજય ઘટના સમયે ક્યાં જઈ રહ્યો હતો કે ક્યાંકથી પાછો આવી રહ્યો હતો. આગળની તપાસ પોલીસ કરી રહી છે જેની અમે રાહ જોઈ રહ્યા છીએ.’