10 September, 2024 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટની સમતા કૉલોનીમાં સાગર સોસાયટીના ૧૦૫ નંબરના ફ્લૅટમાં શનિવારે ચોરી કરવા આવેલા નીલેશ લોંઢેને ૩૫ વર્ષના નિકેત ગાલાએ હિંમતપૂર્વક પકડી લઈ પંતનગર પોલીસના હવાલે કર્યો હતો. પંતનગર પોલીસે રવિવારે નીલેશ સામે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિકેતનાં મમ્મી પર્યુષણ નિમિત્તે પૂજા કરવા જૈન દેરાસર ગયાં હતાં ત્યારે ખાલી ઘરને ટાર્ગેટ કરી નીલેશ ચોરી કરવાના ઇરાદાથી ઘરમાં ઘૂસ્યો હતો, પણ નિકેત ઑફિસથી વહેલો આવી જતાં તેણે ઘરમાં ચોરી કરવા ઘૂસેલા ચોરને પકડી લીધો હતો.
નીલેશે ધમકી આપતાં નિકેતને કહ્યું હતું કે જો તું મને નહીં છોડે તો હું તારા પેટમાં કટર મારીને તને મારી નાખીશ એમ જણાવતાં પંતનગરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે નિકેત રોજિંદા ક્રમ મુજબ સવારે અંધેરીની કંપનીમાં નોકરીએ ગયો હતો. સાંજે ૭ વાગ્યે તેની મમ્મી પર્યુષણ પર્વ હોવાથી જૈન મંદિરમાં પૂજા કરવા ગઈ હતી એ દરમ્યાન સાંજે સાડાઆઠ વાગ્યે નિકેત ઑફિસથી ઘરે આવ્યો ત્યારે તેણે ઘરનો દરવાજો તૂટેલો જોયો હતો. દરવાજો ખોલીને જોતાં તમામ સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. એ ઉપરાંત એક અજાણી વ્યક્તિ ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી એ જોઈને તેણે તાત્કાલિક એ યુવકને પાછળથી પકડી લીધો હતો. ઘરમાં ઘૂસેલા ચોરે નિકેતને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાને છોડી મૂકવા કહ્યું હતું, પણ નિકેતે બૂમાબૂમ કરી મૂકતાં પાડોશીઓએ ભેગા મળીને ચોરને પકડ્યો અને ઘટનાની જાણ અમને કરી હતી. ચોરની વધુ પૂછપરછ કરતાં તેનું નામ નીલેશ લોંઢે હોવાનું જણાયું હતું.’