ઇડલી ગુરુ બનવાના ચક્કરમાં ૨૮.૬૦ લાખ રૂપિયા ગુમાવ્યા અંધેરીના સિનેમૅટોગ્રાફરે

15 August, 2024 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરની ફેમસ રેસ્ટોરાં ઇડલી ગુરુની ફ્રૅન્ચાઇઝી લેવા જતાં થઈ છેતરપિંડી

આદિત્યએ જે દુકાન ભાડા પર લીધી હતી એની તસવીર.

અંધેરી-વેસ્ટમાં વર્સોવામાં રહેતા ૩૦ વર્ષના સિનેમૅટોગ્રાફર આદિત્ય કપૂરે બૅન્ગલોરની ફેમસ બ્રૅન્ડ ઇડલી ગુરુના ઓનર કાર્તિક શેટ્ટી વિરુદ્ધ ૨૮.૬૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મંગળવારે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. જાન્યુઆરી મહિનામાં આદિત્ય વર્સોવાની ઇડલી ગુરુ હોટેલમાં જમવા ગયો ત્યારે તેણે ફ્રૅન્ચાઇઝીની જાહેરાત હોટેલની બહાર લાગેલા બોર્ડ પર જોઈ હતી. ત્યાર બાદ તેણે કાર્તિકનો સંપર્ક કરતાં તેણે દર મહિને હોટેલના વ્યવસાયમાં પચીસથી ૩૦ લાખ રૂપિયા મળશે એમ કહી ઓશિવરામાં એક દુકાન ભાડા પર લેવડાવી ફ્રૅન્ચાઇઝી અને બીજા ખર્ચના નામે પૈસા લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

કાર્તિકના કહેવા પર મેં ઓશિવરામાં જે દુકાન ભાડા પર લીધી હતી એ દુકાનનું પૂરેપૂરું ફર્નિચર તોડી નાખીને કેટલાક મહિના સુધી કોઈ જ કામ કરવામાં આવ્યું નહોતું એમ જણાવતાં આદિત્ય કપૂરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુકાનનું મેં ત્રણ મહિના દર મહિને એક લાખ રૂપિયા પ્રમાણે ભાડું પણ ભર્યું હતું. કાર્તિકે કરેલી છેતરપિંડી મારી સામે આવી અને મેં જ્યારે દુકાન એના ઓનરને પાછી આપી ત્યારે આખું ફર્નિચર તોડી નાખ્યું હોવાથી મારે ચાર લાખ રૂપિયા બીજા ચૂકવવાના આવ્યા હતા. વર્સોવાની ઇડલી ગુરુ હોટેલની બહાર લાગેલા બોર્ડ બાદ મેં કાર્તિકનો સંપર્ક કર્યો ત્યારે તેણે ઇડલી ગુરુ નામે રેસ્ટોરાંનો વ્યવસાય શરૂ કરશો તો દર મહિને પચીસથી ૩૦ લાખ રૂપિયાનો નફો મળી શકે છે એમ કહ્યું હતું. એની સાથે તેણે જો તમારે ફ્રૅન્ચાઇઝી લેવી હોય તો લોખંડવાલા અથવા અંધેરીમાં એક દુકાન ભાડે લેવી પડશે અને આ દુકાનમાં બાકી બધો ખર્ચ અમે કરીશું એમ કહ્યું હતું. આ ઉપરાંત મારી ફ્રૅન્ચાઇઝી ૨૦,૦૦,૦૦૦ રૂપિયામાં આપીશ અને એના પર ૩,૬૦,૦૦૦નો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ચૂકવવો પડશે એમ પણ કહ્યું હતું. મને આ ફ્રૅન્ચાઇઝીમાં સારું રિટર્ન દેખાતું હોવાથી મેં તેને ફ્રૅન્ચાઇઝીના પૈસા આપી ઓશિવરા-ન્યુ લિન્ક રોડ પર મીરા સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક દુકાન ભાડા પર લીધી હતી. આ દુકાન કાર્તિકને દેખાડતાં તેણે રિપેરિંગ માટે બીજા પાંચ લાખ રૂપિયા મારી પાસેથી લીધા હતા. એ પૈસા આપ્યા બાદ થોડા દિવસ યોગ્ય રીતે દુકાનનું રિપેરિંગ ચાલ્યું હતું. જોકે કાર્તિકે કારીગરોને પૈસા આપ્યા ન હોવાથી એકાએક કારીગરોએ દુકાનનું કામ કરવાનું બંધ કરી દીધું હતું. મેં  કાર્તિકને ફોન કરીને પૂછવાની કોશિશ કરી ત્યારે તેણે મારા ફોન ઉપાડ્યા નહોતા એટલે મને શંકા આવતાં મેં ગૂગલ પર કાર્તિકની વધુ તપાસ કરી ત્યારે મને જાણ થઈ કે કાર્તિકે મારી જેમ બીજા લોકો પાસેથી પણ ફ્રૅન્ચાઇઝીના નામે પૈસા લઈને છેતરપિંડી કરી છે. અંતે મેં મારી ફરિયાદ ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’

કાર્તિક સામે વિલે પાર્લે પોલીસ-સ્ટેશન અને બૅન્ગલોરના પોલીસ-સ્ટેશનમાં આવી રીતે પૈસા લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે એમ જણાવતાં ઓશિવરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai news mumbai andheri cyber crime Crime News bengaluru mumbai police