09 September, 2024 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપ ઠક્કર
૨૮ વર્ષના દીપ ઠક્કરે આઠમા માળની બાલ્કનીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી : પરિવારના સભ્યોની માફી માગીને પોતાના મૃત્યુ માટે કોઈ જવાબદાર ન હોવાનું સુસાઇડ-નોટમાં લખ્યું
થાણે-વેસ્ટમાં જ્યુપિટર હૉસ્પિટલ નજીક વસંત લૉન્સ બિલ્ડિંગના આઠમા માળે રહેતા ૨૮ વર્ષના દીપ ઠક્કરે શુક્રવારે રાતે સાડાઆઠ વાગ્યે ઘરની બાલ્કનીમાંથી ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો. આ મામલે વર્તકનગર પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર દીપે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ-નોટ પોલીસને મળી છે જેમાં તેના માટે દુનિયામાં ટકી રહેવું મુશ્કેલ છે એમ લખ્યું હતું અને પરિવારના સભ્યોની માફી માગીને તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ગણ્યા નથી. જોકે આ આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે ટેક્નિકલ પુરાવા ભેગા કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દીપની આત્મહત્યાથી અમારો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે એમ જણાવતાં થાણેના વેપારી અગ્રણી સુરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીપે નાની ઉંમરમાં અનેક શિખરો સર કર્યાં હતાં. ભણવામાં હંમેશાં તે સ્કૉલર રહ્યો છે. દીપે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)માંથી એન્જિનિયરિંગ કર્યું હતું. આ સિવાય તે ડાન્સ, ડ્રામેટિક્સ, સંગીત, મૂવીઝ જેવી ઍક્ટિવિટીઝ સાથે જોડાયેલો હતો. તેની કૉલેજના સાંસ્કૃતિક ઉત્સવ મૂડ ઇન્ડિગોના કોર ગ્રુપનો તે મેમ્બર હતો. ત્યાર પછી તે બૅન્ગલોર જૉબમાં હતો. એ પછી તેણે સ્ટાર્ટ-અપ શરૂ કર્યું હતું. પછી તે હરિયાણામાં ચીફ મિનિસ્ટરના કાર્યાલયમાં અસોસિએટ તરીકે કામ કરતો હતો. હરિયાણાની યોજનાઓની લોકોને પૂરતી જાણકારી મળે એ હેતુથી તેણે હિસ્સારના ડેપ્યુટી કમિશનરની સાથે મળીને ‘પ્રશાસન સે પરિચય’ વિડિયો ચૅનલ શરૂ કરી હતી. ત્યાં પણ કોવિડના સમયમાં તેણે અનેક લોકોને સહાય કરી હતી. દીપમાં હંમેશાં સમાજની અને દેશની સેવા કરવાના ઊંચા ભાવ હતા. આથી જ પોતાનાં સપનાં પૂરાં કરવા માટે દીપ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની એક્ઝામ આપવા માગતો હતી. તે એની તૈયારીમાં પણ લાગી ગયો હતો. જોકે ક્યારેક તે કોઈ મૂંઝવણ અનુભવતો હતો, પરંતુ અમને હિંમતથી કહેતો કે હું ટૂંક સમયમાં દિલ્હી જઈને UPSCની એક્ઝામ આપીશ. દીપ ખૂબ જ આધ્યાત્મિક હતો. તે બીજાને જીવન જીવવાની પ્રેરણા આપતો હતો. તેની આત્મહત્યા અમારા પરિવાર માટે ખૂબ જ આશ્ચર્યજનક બીના છે. તેની વાતોમાં કે વર્તનમાં અમને ક્યારેય એવો એહસાસ થયો નથી કે તે આત્મહત્યા જેવું પગલું ભરી શકે. કાળના ચક્રએ એનું કામ કર્યું અને અમે અમારો દીકરો ગુમાવી દીધો.’
આત્મહત્યા પાછળનું કારણ હજી અમને સમજાઈ રહ્યું નથી એમ જણાવતાં વર્તકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજકુમાર વાઘચોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે આત્મહત્યા કરનાર યુવાને તેના બેડરૂમની બાલ્કનીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. આત્મહત્યા પહેલાં યુવાને સુસાઇડ-નોટમાં આત્મહત્યા માટે કોઇને જવાબદાર ગણ્યા નથી. યુવાન કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો એવી માહિતી તેના પરિવારના સભ્યોએ અમને આપી છે. જોકે આ કેસમાં સુસાઇડના મૂળ કારણ સુધી અમે નથી પહોંચી શક્યા એટલે હાલમાં ADR નોંધીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’