સાઇબર ક્રિમિનલોએ અપનાવ્યો નવો હથકંડો

23 September, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ન્યુઝ જોઈને પબ્લિકને છેતરવાનું કર્યું શરૂઃ ICICI બૅન્કનાં ચંદા કોચરના કેસ જેવા જાણીતા કેસોમાં સંડોવણી હોવાનું કહી લોકોને ધમકાવીને પૈસા પડાવી લેવાની નવી કાર્યપદ્ધતિ સામે આવી

પ્રતીકાત્મક તસવીર

સાઇબર છેતરપિંડી કરતા ગઠિયાઓ દર વખતે નવી-નવી કાર્યપદ્ધતિથી લોકોને છેતરતા હોય છે. તેઓ હવે સમાચારો જોઈ હાઈ પ્રોફાઇલ કેસોની માહિતી લઈને લોકોને એવા કેસમાં તેમની સંડોવણી હોવાનું કહીને ધરપકડ કરવાની ધમકી આપી છેતરપિંડી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાયનમાં રહેતી ૨૮ વર્ષની યુવતીને અજાણ્યા યુવાને ફોન કરીને ICICI બૅન્કનાં
ચંદા કોચરે કરેલી છેતરપિંડીમાં તમારી પણ સંડોવણી છે એમ કહી તમારી પણ ધરપકડ કરવામાં આવશે એમ ડરાવીને ૧૪ લાખ રૂપિયા સાઇબર છેતરપિંડીથી પડાવી લીધા હોવાની ફરિયાદ સેન્ટ્રલ સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે.

ચંદા કોચરના અકાઉન્ટમાંથી તમારા બૅન્ક-અકાઉન્ટમાં કમિશનના ૨૩ કરોડ રૂપિયા આવ્યા છે અને અમારી એક ટીમ તમારી ધરપકડ કરવા આવી રહી છે એમ કહીને તે યુવતીને ધમકાવવામાં આવી હોવાનું જણાવતાં સેન્ટ્રલ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંધેરીની એક કંપનીમાં નોકરી કરતી યુવતીને જુલાઈ મહિનામાં એક અજાણ્યા યુવાને ફોન કરીને કહ્યું હતું કે તમારા નામે એક કુરિયર આવ્યું છે જેમાં ચાર-પાંચ જોડી કપડાં અને બેથી ત્રણ બૅન્કનાં કાર્ડ મળી આવ્યાં છે એટલે હું તમારો કૉલ મરોલ પોલીસ-સ્ટેશનના મોટા ઑફિસર પાસે ટ્રાન્સફર કરી રહ્યો છું. આમ કહીને સુનીલ દુબે નામના અધિકારીએ યુવતી સાથે વાત કરી હતી. તેણે યુવતીને તમે ICICI બૅન્કના ચંદા કોચર મની લૉન્ડરિંગ કેસમાં એક સસ્પેક્ટ આરોપી છો એમ કહીને ચાલુ ફોન પર સ્કાઇપ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. એ ડાઉનલોડ કરી એમાં લૉગ-ઇન કરતાં સામે પોલીસ અધિકારીનાં કપડાંમાં એક યુવાન યુવતીને દેખાયો હતો. તેણે ચંદા કોચર સંબંધી કેટલાક સવાલ પૂછ્યા હતા. આ ઉપરાંત કહ્યું હતું કે તમારા ખાતામાં આવેલા ૮-૯ લોકોના પૈસામાંથી એક યુવાને આત્મહત્યા કરી લીધી છે એટલું જ નહીં, સાઇબર ગઠિયાએ યુવતીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નામે કેટલાક બોગસ ડૉક્યુમેન્ટ્સ પણ મોકલ્યા હતા.’

યુવતીને અંધેરીની કૅબિનમાં એકલી બેસવા કહી જો કોઈને કહેશે તો તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે, તારી ઑફિસમાંથી તને લઈ જવામાં આવશે, તારા બૅન્ક-ખાતાનો સ્ક્રીનશૉટ અમને શૅર કરો, અમે તપાસ કરી રહ્યા છીએ એવું નાટક બેથી ત્રણ કલાક ચાલ્યું હતું એમ જણાવતાં સેન્ટ્રલ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઇબર ગઠિયાએ યુવતીને તારા ખાતામાં રહેલા તમામ પૈસા અમને મોકલી દે, અમે આ બધું બારીકાઈથી તપાસ કરીશું અને પછી તારા પૈસા પાછા મોકલી આપીશું એમ કહીને ઑગસ્ટ સુધીમાં ૧૪ લાખ રૂપિયા લીધા હતા. જોકે ત્યાર બાદ એક પણ રૂપિયો પાછો ન મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં આ ઘટનાની ફરિયાદ તેણે અમારી પાસે નોંધાવી હતી.’

mumbai news mumbai sion cyber crime mumbai crime news mumbai police