હું ઘર સંભાળીશ એમ કહીને પપ્પાનું કામ છોડાવ્યું એના અઠવાડિયામાં જ દીકરો જતો રહ્યો

18 July, 2024 06:56 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વસઈમાં હાઇવે પર ​હિટ ઍન્ડ રનના બનાવમાં જૈન યુવાને જીવ ગુમાવ્યો

૨૭ વર્ષનો નીરવ શાહ.

પુણેનો હિટ ઍન્ડ રન કેસ હજી તાજો છે ત્યારે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અજાણ્યા વાહન દ્વારા હિટ ઍન્ડ રનને કારણે ૨૭ વર્ષના એક જૈન યુવકે જીવ ગુમાવ્યો છે. વસઈનો નીરવ શાહ નામનો યુવાન તેના મિત્ર સાથે બાઇક પર મુંબઈથી આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પિતાની ઉંમર અને કામ કરતી વખતે જખમી થવાથી તેણે પિતાને કામ છોડાવ્યું અને તે ઘર સંભાળશે એવું કહ્યું એના અઠવાડિયા બાદ જ તેણે જીવ ગુમાવ્યો છે.

નાલાસોપારા-ઈસ્ટના તુલિંજ રોડ પર નીરવ પિતા કમલેશ શાહ, મમ્મી અને ૧૩ વર્ષની નાની બહેન સાથે રહેતો હતો. નીરવ વસઈમાં ઇલેક્ટ્રિક સ્વિચ બનાવતી કંપનીમાં કામ કરતો હતો. નીરવ રવિવારે તેના મિત્ર સોનુ સાથે ટૂ-વ્હીલર પર મુંબઈ ગયો હતો. રાતે ૮.૩૦ વાગ્યાની આસપાસ ઘરે પાછા આવતી વખતે નૅશનલ હાઇવે પર કાઠિયાવાડી હોટલ સામેથી પસાર થઈ રહ્યો હતો એ વખતે કોઈ અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અથડામણમાં નીરવ અને સોનુ નીચે પટકાયા હતા. બન્નેને ખૂબ માર લાગ્યો હતો. તેમને પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ જતાં ઈજાગ્રસ્ત નીરવનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

નીરવના પંચાવન વર્ષના પિતા કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેણે અકસ્માત કર્યો એ ફોર-વ્હીલર ધરાવતી વ્યક્તિ પાછળથી કટ મારીને આગળ ગઈ હતી અને તેમની બાઇકને ઉડાડી હતી. ત્યાર બાદ આગળ જઈને તેણે વાહન ઊભું રાખ્યું હતું, પરંતુ પબ્લિક જમા થતાં તે ત્યાંથી ભાગી ગયો હતો અને હજી સુધી તેની જાણકારી નથી મળી. મારા દીકરાના મિત્રને હૉસ્પિટલમાંથી રજા મળી છે. હું વાલીવ પાસે આવેલી એક કંપનીમાં કામ કરતો હતો. ત્યાં લોખંડનું કામકાજ હોવાથી હાથ-પગમાં માર લાગતો હતો. એથી અઠવાડિયા પહેલાં જ નીરવે મને ત્યાંથી કામ છોડવા કહ્યું હોવાથી એ જૉબ છોડી દીધી હતી. અમારા ઘરની પાસે આવેલા જૈન ઉપાશ્રયમાં સાધુ-ભગવંતોની સેવા અને અન્ય કામ કરવાની જૉબ મેં શરૂ કરી હતી. ગયા અઠવાડિયે જ મારા ભાઈની દીકરીનાં લગ્નમાં અમે બધા ખુશીથી જોડાયા હતા. મારી દીકરીની સ્કૂલ અને ટ્યુશનની ફી માટે પત્ની બંગડીનું કામ કરે છે. દીકરાએ મારી તકલીફને જોતાં કામ છોડવા કહ્યું અને હું આરામ કરું એ પહેલાં તે જ અમને છોડીને જતો રહ્યો છે. હવે કઈ રીતે ઘર ચાલશે એની પણ ચિંતા થઈ રહી છે. ગઈ કાલે અમે ટેલિફોનિક બેસણું રાખ્યું હતું. મોબાઇલ પર જ બધા જોડાયા હતા અને નીરવના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.’ 

અમે આ મામલામાં કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. અકસ્માત સમયે નીરવ બાઇક ચલાવતો હતો. એ વખતે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું મૃત્યુ થયું હતું.- સંજય હઝારે, માંડવી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news ahmedabad jain community road accident