14 April, 2024 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મિત્ર સાથે ટૂ-વ્હીલર પર ભાઈંદરથી મીરા રોડ જતી ૨૩ વર્ષની ગુજરાતી યુવતીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના શુક્રવારે બપોરે મીરા રોડ પર મેડતિયાનગરમાં બની હતી. ઍક્ટિવા સ્પીડમાં જઈ રહ્યું હતું ત્યારે અચાનક તેના મિત્રએ બ્રેક મારતાં ઍક્ટિવા પલટી મારી ગયું અને અને ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પોલીસે યુવતીના મિત્ર સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ફરિયાદી અને આરોપી બન્ને આ યુવક જ છે.
૨૩ વર્ષની ફોરમ શાહ બોરીવલીમાં રહે છે અને તેનો ૨૪ વર્ષનો મિત્ર હર્ષ શાહ ભાઈંદરમાં રહે છે. બન્ને મીરા રોડની એક કૉલેજમાં ભણતાં હતાં. હાલમાં કૉલેજમાં પરીક્ષા ચાલી રહી હોવાથી ફોરમ હર્ષના ઘરે આવી હતી. ત્યાર બાદ બપોરે બન્ને કૉલેજ જવા નીકળ્યાં હતાં. હર્ષના ઍક્ટિવા પર ફોરમ પાછળ બેઠી હતી. બપોરે પોણાબે વાગ્યાની આસપાસ મીરા રોડમાં આવેલા ગોલ્ડન નેસ્ટના મેડતિયાનગરથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં. આ સમયે તેની સામે બસ આવી હતી અને એ જોતાં અચાનક હર્ષે ઍક્ટિવાને બ્રેક મારી હતી. એના કારણે ઝડપી સ્પીડે આવી રહેલું ઍક્ટિવા સ્લિપ થયું અને પલટી ગયું હતું. ઍક્ટિવા પલટી જવાથી પાછળ બેઠેલી ફોરમ રસ્તા પર ફેંકાઈ ગઈ હતી. એના કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. લોહીલુહાણ અવસ્થામાં તેને સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન સાંજે ફોરમ મૃત્યુ પામી હતી. આ બનાવને કારણે હર્ષ ખૂબ આઘાતમાં આવી ગયો છે, જ્યારે ફોરમના પરિવારજનોની પણ હાલત ખૂબ ખરાબ છે. હર્ષ શાહનો સંપર્ક કરતાં તેણે ભાવુક થઈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું પછી વાત કરીશ, હાલમાં કંઈ બોલી શકું એવી સ્થિતિમાં નથી.’
આ બનાવ વિશે કેસની તપાસ કરી રહેલા નયાનગર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર મંગેશ કડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટૂ-વ્હીલર સ્પીડમાં હોવાથી અને બસને જોતાં જ અચાનક બ્રેક લગાવી હોવાથી અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઍક્ટિવા કચડાયું હોવાની સાથે યુવતીને વધુ માર લાગ્યો હતો. અકસ્માત બાદ અમે ટૂ-વ્હીલર ચલાવનાર હર્ષ શાહ વિરુદ્ધ કલમ ૨૭૯, ૩૦૪-અ, ૩૩૭, ૩૩૮ અને મોટર વેહિકલ ઍક્ટની કલમ ૮૪ હેઠળ કેસ નોંધ્યો છે.’