05 October, 2024 10:03 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પુણેમાં ગૅન્ગરેપના આરોપીઓના પોલીસે બનાવેલા સ્કેચ.
છેલ્લા કેટલાક સમયથી સાંસ્કૃતિક નગરી પુણેમાં ખળભળાટ મચી જાય એવી ઘટનાઓ બની રહી છે. ગુરુવારે રાતે પુણે શહેરના કોંઢવા પરિસરમાં બોપદેવ ઘાટમાં ફ્રેન્ડ સાથે ફરવા ગયેલી ૨૧ વર્ષની કૉલેજિયન યુવતી પર ત્રણ યુવકે સામૂહિક બળાત્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પીડિત યુવતી તેના ફ્રેન્ડ સાથે બોપદેવ ઘાટમાં હતી ત્યારે રાતે ૧૧ વાગ્યાની આ ઘટનામાં આરોપીઓએ પહેલાં યુવતીના ફ્રેન્ડને બાંધી દીધો હતો અને ત્યાર બાદ યુવતીને કારમાં જુદા-જુદા સ્થળે લઈ જઈને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. સવારે પાંચ વાગ્યા સુધી નરાધમ યુવકોએ યુવતી પર વારાફરતી બળાત્કાર કર્યો હોવાનું યુવતીએ પોલીસમાં નોંધાવેલા નિવેદનમાં કહ્યું છે. ઘાટમાં નેટવર્ક નહોતું એટલે પીડિતાનો ફ્રેન્ડ કલાકો સુધી કોઈનો સંપર્ક નહોતો કરી શક્યો. આરોપીઓ પલાયન થઈ ગયા બાદ યુવતીને તેનો ફ્રેન્ડ નજીકની હૉસ્પિટલમાં લઈ ગયો હતો ત્યારે તેણે ગૅન્ગ-રેપની વાત કરી હતી. કોંઢવા પોલીસ-સ્ટેશનની ટીમે હૉસ્પિટલમાં પહોંચીને પીડિતા અને તેની સાથેના ફ્રેન્ડનાં નિવેદન નોંધ્યાં હતાં. તેમના નિવેદનના આધારે પોલીસે બે આરોપીના સ્કેચ બનાવીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. આ મામલામાં પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસની ૧૦ ટીમ બનાવવામાં આવી છે.