25 July, 2024 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઇબર ગઠિયાઓએ નાલાસોપારાની ગુજરાતી યુવતીના મોબાઇલમાં ઍપ ડાઉનલોડ કરાવીને શૅરબજારમાં વધુ અને બમણો નફો થશે એવી લાલચ આપતાં ક્લાસિસની ફી માટે જમા કરેલા પૈસા તેણે ગુમાવ્યા હતા. આ લોકોએ પહેલાં સારું રિટર્ન આપીને તેનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યાર બાદ યુવતીએ ચાર લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ વિશે તુળીંજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
નાલાસોપારા-ઈસ્ટમાં રહેતી ૨૦ વર્ષની હસ્તી પરમાર કૉસ્ટ મૅનેજમેન્ટ અકાઉન્ટિંગ (CMA)ની સ્ટડી કરી રહી છે. તેની ક્લાસિસની ફી માટે પપ્પા તેના અકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હતા. એક દિવસ તેને વૉટ્સઍપ પર ફોન કરીને શૅરબજારમાં સારી તક છે એમ અક્ષદા પૂર્ણ અને અવિનાશ શર્માએ કહ્યું હતું. આ ફ્રૉડ કેવી રીતે થયો એની માહિતી આપતાં હસ્તી પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને વૉટ્સઍપ કૉલ આવ્યો કે શૅરબજાર સારું ચાલી રહ્યું છે અને એમાં ઇન્વેસ્ટ કરશો તો સારી તક મળશે. ત્યાર બાદ તેમણે મને મોબાઇલમાં UBSAL નામની ઍપ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવા કહ્યું હતું. એથી મેં એ ઍપ ડાઉનલોડ કરીને એમાં પહેલાં ૧૩,૦૦૦ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. ત્યાર બાદ મને રિટર્નમાં ૧૭,૦૦૦ રૂપિયા નફા સાથે મળ્યા હતા. એથી મને વિશ્વાસ બેસી ગયો કે સાચે જ આ લોકો કોઈ ફ્રૉડ કંપનીમાંથી નથી. એથી મેં ૧૮,૦૦૦ રૂપિયા ફરી ઇન્વેસ્ટ કર્યા હતા. એ પછી તેમણે કહ્યું એ રીતે તેમણે આપેલાં વિવિધ અકાઉન્ટ્સમાં થોડા-થોડા પૈસા ભરતી ગઈ હતી. મારી તેમની સાથે આ ઍપના માધ્યમથી જ વાત થતી હતી. સારી આવક આવશે એવી લાલચે વિવિધ બૅન્ક-અકાઉન્ટ્સમાંથી મેં કુલ ૩,૯૫,૩૦૦ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. અચાનક ત્યાર બાદ કોઈ રિપૉન્સ મળી રહ્યો ન હોવાથી અને અનેક વખત પ્રયાસો કરવા છતાં કોઈ સંપર્ક ન થવાથી છેતરપિંડી કરવામાં આવી હોવાનો અંદાજ આવતાં મેં ફરિયાદ નોંધાવી હતી.’