વડાલામાં ૧૪ માળનો લોખંડનો અન્ડર કન્સ્ટ્રક્શન પાર્કિંગ ટાવર જમીનદોસ્ત

14 May, 2024 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરાના હિલ રોડ પર આવેલી એક પ્રાઇવેટ પ્રૉપર્ટીનું વૃક્ષ તૂટી પડ્યું હતું

ટાવરનો લોખંડનો કાટમાળ

અનેક ગાડીઓ કચડાઈ ગઈ વડાલા-ઈસ્ટમાં બરકતઅલી નાકા પાસે આવેલા શ્રીજી ટાવર્સ પાસે અન્ડર-કન્સ્ટ્રક્શન ૧૪ માળનો લોખંડનો પાર્કિંગ ટાવર ગઈ કાલના વાવાઝોડામાં સાંજે ૪.૨૨ વાગ્યે પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો હતો. એ ઘટના વિડિયોમાં પણ કેદ થઈ ગઈ હતી અને વિડિયો વાઇરલ થઈ ગયો હતો. લોકો એ ઘટના જોઈને ચોંકી ઊઠ્યા હતા. એ ઘટનામાં પાર્કિંગ ટાવરના લોખંડના કાટમાળ હેઠળ ત્યાં રોડ પર પાર્ક કરવામાં આવેલી આઠથી દસ કારને નુકસાન થયું હતું. એક કારમાં ડ્રાઇવર પણ હતો જે એ ટાવરના કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ વડાલા પોલીસ સાથે ફાયર-​બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા. કાટમાળ હેઠળ ફસાયેલી ગાડી અને એના ડ્રાઇવરને બહાર કાઢવાના સ્થાનિક રહેવાસીઓએ પણ પ્રયાસો કર્યા હતા. એ ઘટનામાં ૪૪ વર્ષનો નફીક જુમન ખાન અને ૪૨ વર્ષનો રમેશ માને ઘાયલ થયા હતા. તેમને સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સાયન હૉસ્પિટલના ડૉક્ટરે તપાસીને તેમની સારવાર કરી હતી અને બન્નેની હાલત​​ સ્થિર હોવાનું જણાવ્યું હતું.

અન્ય એક ઘટનામાં બાંદરાના હિલ રોડ પર આવેલી એક પ્રાઇવેટ પ્રૉપર્ટીનું વૃક્ષ તૂટી પડ્યું હતું, જે નજીકમાં આવેલી દુકાનના સિમેન્ટના પતરાના શેડ પર પડ્યું હતું. એ વખતે એ શેડ નીચે ઊભેલી બે વ્યક્તિ ઘાયલ થઈ હતી. એમાંથી ૩૫ વર્ષના ઇરફાન ખાનનું મોત થયું હતું. 

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સિટી
જી-નૉર્થ, દાદર-વેસ્ટ – ૧૮ એમએમ
ઈસ્ટર્ન સબર્બ્સ
એસ વૉર્ડ, ભાંડુપ – ૭૮ એમએમ
ટી વૉર્ડ, મીઠાગર – ૬૭ એમએમ
એલ વૉર્ડ, કુર્લા - ૪૨ એમએમ
એમ-વેસ્ટ વૉર્ડ, ચેમ્બુર - ૩૨ એમએમ
​વિક્રોલી - ૩૧ એમએમ
એમ-ઈસ્ટ, ચેમ્બુર માહુલ - ૩૦ એમએમ

વેસ્ટર્ન સબર્બ્સ 
પી-સાઉથ, ગોરેગામ-વેસ્ટ - ૪૧ એમએમ
કે–ઈસ્ટ, અંધેરી-ઈસ્ટ – ૩૬ એમએમ
કે–વેસ્ટ, અંધેરી-વેસ્ટ – ૩૮ એમએમ

ક્યાં કેટલાં વૃક્ષો પડ્યાં?
BMCના જણાવ્યા મુજબ ગઈ કાલે વૃક્ષો અને ડાળીઓ તૂટી પડવાની કુલ ૧૮૭ ઘટના બની હતી. એમાં મુંબઈ સિટીમાં ૧૬, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૧૦૪ અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૬૭ ઘટના નોંધાઈ હતી. એમાં કુલ પાંચ વ્યક્તિ ઘાયલ થઈ હતી, જ્યારે એક જણનું મોત થયું હતું. 

mumbai news mumbai wadala bandra mumbai rains brihanmumbai municipal corporation