મરાઠા આરક્ષણ મુદ્દે 2 સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર કચેરી સામે કરીશું આંદોલન : વિનાયક મેટે

19 August, 2021 07:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મેટેએ કહ્યું કે અમે 2 સપ્ટેમ્બરે રાજ્યભરમાં કલેક્ટર કચેરી સામે આંદોલન કરવા જઈ રહ્યા છીએ

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મુદ્દે આજે રાજ્યવ્યાપી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 24 જિલ્લાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આજે બેઠકમાં 102મા સુધારા પર પસાર થયેલા કાયદાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકાર સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોદી સરકારને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અજીત પવારને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. તેમણે સારથિ સાથે ઘણું સારું કામ કર્યું હોવાનું શિવ સંગ્રામના નેતા વિનાયક મેટેએ જણાવ્યું હતું.

અશોક ચવ્હાણે અનામત સમિતિના અધ્યક્ષ હોવા છતાં મરાઠા સમુદાય વિરુદ્ધ નિર્ણય લીધો હતો. સભામાં બધાએ આ અંગે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે અશોક ચવ્હાણને તાત્કાલિક પ્રમુખ પદેથી હટાવવાની પણ માંગ પણ કરી હતી. અમે અશોક ચવ્હાણને વિશ્વાસઘાત પુરસ્કાર આપીશું, એમ વિનાયક મેટેએ જણાવ્યું હતું.

રાજ્ય પછાત વર્ગ આયોગમાં મોટાભાગના લોકો મરાઠા સમુદાયની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. શરૂઆતમાં કમિશનના લોકો જાહેર સમારંભમાં હાજર રહી શક્યા ન હતા, પરંતુ મંડળ લોનાવલામાં ઓબીસી સમુદાયની બેઠકમાં હાજરી આપી અને ભાષણો પણ આપ્યા હતા. અમે આજે રાધાકૃષ્ણ વિખે પાટીલને અભિનંદન આપતો ઠરાવ પસાર કર્યો હતો કારણ કે તેમણે તેમની સંસ્થામાં 1 વર્ષ માટે મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓની ફી માફ કરી છે, એમ વિનાયક મેટેએ ઉમેર્યું હતું.

મેટેએ કહ્યું કે “અમે 2 સપ્ટેમ્બરે રાજ્યભરમાં કલેક્ટર કચેરી સામે આંદોલન કરવા જઈ રહ્યા છીએ અને 7 અથવા 8 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી બેઠક યોજીશું. તે બાદ ગણપતિ વિસર્જન પછી આઝાદ મેદાનમાં ઉપવાસ પર જઈશું. જ્યાં સુધી અનામતનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી અમે પીછે હટ નહીં કરીએ.” તે મુંબઈમાં પણ રેલી કરશે અને આવતી કાલે સવારે 10 વાગે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળશે. મેટે કહ્યું કે “આ મુલાકાત દરમિયાન, અમે રાજ્ય સરકાર દ્વારા અમારા માટે જાણી જોઈને અવગણના કરવા વિશે વાત કરીશું.” તેઓ સરકાર પાસે મરાઠા અનામત મુદ્દે જવાબ માંગશે અને ઓબીસી કમિશનને પણ બરતરફ કરશે.

 

Maratha Reservation Mumbai Vinayak Mete