26 May, 2019 11:56 AM IST | મુંબઈ
ચોરી કરનારી મહિલાઓ
દેરાણી-જેઠાણી વચ્ચે ક્યારેય બનતું નથી, પણ સીબીડી બેલાપુર વિસ્તારમાંથી બે મહિલાચોરની પોલીસે ધરપકડ કરી છે. બન્ને દેરાણી-જેઠાણી ભીખ માગવાના બહાને બિલ્ડિંગમાં પ્રવેશીને વહેલી સવારે ઘરમાંથી મોબાઇલ અને રોકડ રૂપિયાની તફડંચી કરતી હતી. ગુરુવારે સવારે બન્ને મહિલાની સીબીડી પોલીસે ધરપકડ કરીને તેમની પાસેથી પાંચ મોબાઇલ જપ્ત કર્યા હતા. મોબાઇલચોર ૪૦ વર્ષની વૈશાલી પવાર અને ૨૩ વર્ષની પાયલ પવારને ર્કોટમાં હાજર કરવામાં આવતાં ર્કોટે તેમને વધુ પૂછપરછ માટે અદાલતી કસ્ટડીનો આદેશ આપ્યો હતો.
સીબીડી બેલાપુર પોલીસ-સ્ટેશનના પીએસઆઇ વિક્રમ સાળુંકેએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું કે ‘વૈશાલી અને પાયલ મોબાઇલ ચોરવા માટે સવારે સાડાછ-સાત વાગ્યે રેકી કર્યા બાદ બિલ્ડિંગમાં પ્રવેશતી હતી. જે ઘરનો દરવાજો ખુલ્લો હોય એમાં અંદર ઘૂસીને મોબાઇલની તફડંચી કરીને પલકવારમાં રફુચક્કર થઈ જતી હતી.’
આ બન્ને મહિલાચોરના અન્ય સાથીઓ હોવાનું તેમ જ તેઓ અન્ય વિસ્તારને નિશાન બનાવતા હોવાની શંકા પોલીસને હોવાથી બન્નેની પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો: મગોરાઈ ગામના રહેવાસીઓ જે પાણીના પૈસા ચૂકવે છે એ તેમને મળતું જ નથી
સાળુંકેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે બન્ને પાસેથી પાંચ મોબાઇલ જપ્ત કર્યા છે. વૈશાલી અને પાયલ ચોરી કર્યા બાદ મોબાઇલ કોને વેચતા હતા એની પૂછપરછ ચાલી રહી છે. મહિલાઓની એક આખી ટોળકી જ મોબાઇલચોરીમાં પ્રવૃત્ત હોવાથી તેમના અન્ય કેટલા સાથી છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. હાલમાં બન્નેને ર્કોટમાં હાજર કરવામાં આવતાં વધુ પૂછપરછ માટે ર્કોટે અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.’