28 March, 2019 11:54 AM IST | | રોહિત પરીખ
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી (વેસ્ટ)ની IC કૉલોનીમાં આવેલી સેફરોન સોસાયટીના રહેવાસી અને એસ્ટેટ એજન્ટ ૩૬ વર્ષના આલોક દિનેશ તન્નાએ ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે તેરમા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરતાં ત્ઘ્ કૉલોનીમાં સન્નાટો છવાઈ ગયો હતો. આલોકની આત્મહત્યા પછી પોલીસને તેની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી. એમાં તેણે આર્થિક તંગીને કારણે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આ સુસાઇડ-નોટમાં તેણે જેની પાસેથી પૈસા લેવાના નીકળતા હતા તેમનાં અને જેમને પૈસા આપવાના હતા તે બધાનાં નામ પણ લખ્યાં હતાં.
આલોક તન્ના આઠ મહિના પહેલાં જ ૨૧ માળની સેફરોન સોસાયટીમાં તેની પત્ની અને પાંચ વર્ષના બાળક સાથે રહેવા આવ્યો હતો. આ પહેલાં આલોક કાંદિવલીમાં રહેતો હતો. જોકે ત્યાં તેને બિઝનેસમાં નુકસાન જતા અને દેવું થઈ જતાં કૉસ્ટકટિંગ માટે તે બોરીવલીમાં રહેવા આવી ગયો હતો. બુધવારે બપોરે તેણે તેના ફ્લૅટના પૅસેજમાંથી નીચે કૂદકો માર્યો હતો. સોસાયટીની સિક્યૉરિટીએ એક ધમાકો સાંભળતાં તે ધમાકાના અવાજ તરફ દોડીને ગયો હતો. આ ધમાકાથી આસપાસના રહેવાસીઓ પણ બહાર આવી ગયા હતા. તેઓ આલોક તન્નાને લોહીલુહાણ હાલતમાં ભગવતી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંના ડૉક્ટરોએ આલોકને મૃત જાહેર કર્યો હતો.
આ બાબતની માહિતી આપતાં તેના એક પાડોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આલોક આઠ મહિના પહેલાં જ અમારી સોસાયટીમા રહેવા આવ્યો હતો. તે અહીં આવ્યા પછી એસ્ટેટ એજન્ટનું કામ કરતો હતો, પરંતુ તેને આ કામની એટલી બધી ફાવટ ન હોવાથી તેનું કામ ઠંડું ચાલતું હતું. તેની પત્ની એક કંપનીમાં નોકરી કરતી હતી જેના પર પરિવારનું ગુજરાન ચાલતું હતું.’
આ પણ વાંચો : મુંબઈ: રે રોડ પર સ્ટન્ટ-બૉય દ્વારા કૉન્સ્ટેબલ પર હુમલો
આત્મહત્યાના સમયે આલોક તેના ફ્લૅટમાં એકલો જ હતો. આ બાબતની માહિતી આપતાં MHB પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસને આલોક પાસેથી સુસાઇડ-નોટ મળી આવી છે. એમાં આલોકે તેની આર્થિક પરિસ્થિતિ બગડી જવાથી અને તેનું દેવું વધી જવાને કારણે સુસાઇડ કર્યું હોવાનું જણાવ્યું છે. તેની સુસાઇડ-નોટમાં તેણે જેમને પૈસા આપવાના છે તેમનાં નામો અને જેમની પાસેથી પૈસા લેવાના છે તેમનાં નામો લખ્યાં છે. તેના પરિવારે આપેલી માહિતી પ્રમાણે આલોક કરોડો રૂપિયાનો દેવાદાર બની ગયો હતો. એસ્ટેટ એજન્ટના કામની શરૂઆત કરી એ પહેલાં આલોક સ્ટૉકબ્રોકર હતો. વષોર્ પહેલાં તેને બિઝનેસમાં નુકસાન જવાથી તે દેવાદાર બની ગયો હતો. દેવાંમાંથી બહાર આવવા માટે આલોકે પહેલાં તો કાંદિવલીનો ફ્લૅટ વેચીને બોરીવલી રહેવા આવી ગયો હતો. ત્યાં તેણે એસ્ટેટ એજન્ટ અને અન્ય બિઝનેસ કરવાની શરૂઆત કરી હતી જેમાં જરૂરી સફળતા મળી નહોતી. એને કારણે આલોક ડિપ્રેશનમાં આવી ગયો હતો. આખરે ગઈ કાલે તેણે તેના પરિવારની ગેરહાજરીમાં તેરમા માળેથી કૂદીને આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો હતો.’