23 February, 2019 08:30 AM IST | મુંબઈ
મુંબઈમાં આતંકવાદી હુમલાની શક્યતાને પગલે આપવામાં આવેલા હાઈ અલર્ટને લીધે ગઈ કાલે રેલવે પોલીસના જવાનો પ્લેટર્ફોમ પર સ્નિફર ડોગ લઈને તપાસ કરી રહ્યા હતા. તસવીરો : આશિષ રાજે
પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. ૨૪ કલાકમાં બે જગ્યાએ વિસ્ફોટક મળતાં મુંબઈમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેલવેના નેટવર્કમાં અને ખાસ કરીને મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. રેલવેના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે ગુપ્તચર શાખા દ્વારા કોઈ સૂચના આપવામાં આવી નથી, પરંતુ રેલવે બોર્ડના આદેશને પગલે રેલવેના મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં રેલવેના નેટવર્કમાં તેમ જ વિશેષરૂપે મુંબઈમાં સુરક્ષા વધારવામાં આવી છે તથા સુરક્ષા એજન્સીઓને હાઈ અલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : મુંબઈ: હેવાનોથી માસૂમ દીકરીને બચાવવાની આ તે કેવી ક્રૂર રીત
અધિકારીઓએ જણાવ્યા મુજબ ગૃહ મંત્રાલયે માત્ર રેલવે જ નહીં, પરંતુ સ્થાનિક પોલીસ સહિત અન્ય ઑથોરિટીઝને ઍરર્પોટ, સિનેમાહૉલ, મૉલ અને અન્ય જાહેર સ્થળોએ ચાંપતો બંદોબસ્ત રાખવાના આદેશ આપ્યા છે. મુંબઈ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમિશનર કે. કે. અશરફે જણાવ્યું હતું કે અમે પ્લૅટફૉર્મ પર અને સ્ટેશનો પર પોલીસોની સંખ્યા વધારી દીધી છે. અમારા અધિકારીઓ સાદાં કપડાંમાં નજર રાખી રહ્યા છે તેમ જ ગુરુવારથી સવારે અને સાંજે પીક અવર્સમાં કૉમ્બિંગ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેની ટીમ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા દ્વારા સ્ટેશન પર નજર રાખી રહી છે તેમ જ સ્ટેશનો પર મૉક ડ્રિલ કરવામાં આવી રહી છે. લાંબા અંતરની વિશેષરૂપે દિલ્હી જતી ટ્રેનોમાં સ્નિફર ડૉગ્સ અને બૉમ્બ ડિટેક્શન સ્ક્વૉડ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું પશ્ચિમ રેલવેના પ્રવક્તા રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું.