28 December, 2018 09:00 AM IST | મુંબઈ | ધર્મેશ ભટ્ટ
હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા
‘અબ કી બાર, હિન્દુઓં કી સરકાર’ના સૂત્ર સાથે વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વચનભંગ અને જૂઠાણાં ઉઘાડાં પાડવા ખુલ્લી તલવાર કાઢીને મેદાને પડ્યા છે. ગઈ કાલે મુંબઈમાં આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ મિડ-ડેને કહ્યું હતું કે એકાદ મહિનામાં નવા રાજકીય પક્ષની સ્થાપનાની તૈયારી કરી રહ્યો છું.
ટૂંક સમયમાં સંસ્થાકીય અને રાજકીય સ્તરે અનેક નવાં આયોજનોની તૈયારી કરતા પ્રવીણ તોગડિયા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં તેમના પક્ષના ઉમેદવારો ઊભા રાખવાના ઉદ્દેશ સાથે સંગઠનની તૈયારી કરે છે. પ્રવીણ તોગડિયાએ નવા રાજકીય પક્ષ બાબતે જણાવ્યું હતું કે ‘અમારો રાજકીય પક્ષ કૉન્ગ્રેસ કે BJPમાંથી કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે, કારણ કે બન્ને પક્ષો હિન્દુવિરોધી છે. BJPએ ઘણાં વચનો આપ્યાં, પણ સાડાચાર વર્ષમાં કંઈ ન કર્યું અને કૉન્ગ્રેસે તો ક્યારેય હિન્દુઓના કલ્યાણ માટે એક પણ વચન આપ્યું નથી. અમે લોકસભાની આગામી ચૂંટણીમાં જાતે લડી લઈશું અને હિન્દુઓની સરકાર રચીશું.’
વિશ્વ હિન્દુ પરિષદથી છૂટા થયા બાદ નવા હિન્દુ સંગઠનની પ્રવૃત્તિઓના ભાગરૂપે વ્યાપક જનસંપર્ક કરતા પ્રવીણ તોગડિયાએ આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં અને ત્યાર પછી વારાણસીમાં સભા અને જનસંપર્કના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પ્રવીણ તોગડિયાએ ખેડૂતોની સમસ્યાઓ, દૂધ-ઉત્પાદકોની સમસ્યાઓ, ગુજરાતમાં નર્મદા નહેરના વ્યાપ સંબંધી સમસ્યાઓનો અભ્યાસ કરીને એની આંકડાવારી પણ તૈયાર કરી છે. રામજન્મભૂમિના મુદ્દે સરકારની ઢીલી નીતિ પ્રત્યે નારાજગી પણ તોગડિયા જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે.