18 November, 2019 03:15 PM IST | Mumbai
રાજનીત સિંહ
પીએમસી બૅન્કના કૌભાંડમાં બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય સરદાર તારા સિંહના પુત્ર રાજનીત સિંહની ધરપકડ કર્યાના બીજા દિવસે તેમના ફ્લૅટમાં તપાસ કરાઈ હોવાનું આ મામલાની તપાસ કરી રહેલા ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (ઈઓડબ્લ્યુ)ના અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે આ તપાસ કરતાં પહેલાં બૅન્કના ડિરેક્ટર રાજનીત સિંહને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં જજે તેમને ૨૫ નવેમ્બર સુધીની પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. ઈઓડબ્લ્યુના અધિકારીએ કહ્યું હતું કે ‘કોર્ટમાં આરોપીને રજૂ કરાયા બાદ તેમને સાયન કોલીવાડામાં કર્મક્ષેત્ર બિલ્ડિંગમાં આવેલા ફ્લૅટમાં ચાર ઑફિસર લઈ ગયા હતા. એક કલાક સુધી ફ્લૅટની તપાસ કરાઈ હતી. આ સમયે આરોપીના પરિવારજનોને બિલ્ડિંગની બહાર રાહ જોવાનું કહેવાયું હતું. જોકે ફ્લૅટમાંથી કંઈ વાંધાજનક વસ્તુ મળી છે કે કંઈ જપ્ત કરાયું છે એ જાણવા નથી મળ્યું.’ પીએમસી બૅન્કના કથિત ૪૩૫૫ કરોડના કૌભાંડમાં રાજનીત સિંહ ઉપરાંત અત્યાર સુધી બૅન્કના ત્રણ ટોચના અધિકારી, એચડીઆઇએલના બે પ્રમોટરો રાકેશ અને સારંગ વાધવા તથા ઑડિટરો સહિત કુલ ૯ આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે કહ્યું હતું કે આરોપી રાજનીત સિંહ બૅન્કના ડિરેક્ટરની સાથે બૅન્કની લોન રિકવરી કમિટીના સભ્ય પણ હતા.
ઈઓડબ્લ્યુને શંકા છે કે કેટલાક આરોપીઓ અને એચડીઆઇએલ સાથે સાઠગાંઠ હોવાથી મોટી લોન આપીને બૅન્ક મુશ્કેલીમાં મુકાતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઍડ્મિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરીને રકમ ઉપાડવા પર નિયંત્રણ મૂકવા પડ્યા છે. કેસની તપાસ કરી રહેલા ઈઓડબ્લ્યુને અગાઉ સેશન્સ કાર્ટમાં કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓ અને એચડીઆઇએલ ગ્રુપ ઑફ કંપની સાઠગાંઠ કરાઈ હોવાનું જણાઈ આવ્યું છે. આ કામ મોટું કાવતરું ઘડીને કરાયું હોવાની શંકા ઉપજાવે છે.