13 December, 2019 08:47 AM IST | Mumbai | Prajakta Kasale, Pallavi Smart
હવે સ્કૂલમાં વગાડાશે વૉટર-બેલ
સ્કૂલમાં લગભગ પાંચથી સાત કલાક રહેતા સ્ટુડન્ટ્સ સ્કૂલના સમયમાં પૂરતું પાણી પીતા ન હોવાથી ચિંતીત બીએમસીએ એક પ્રસ્તાવનું સૂચન કર્યું છે જે મુજબ સ્કૂલ ઑથોરિટીને શાળાના સમય દરમ્યાન કુલ ત્રણ વખત સ્ટુડન્ટ્સને પાણી પીવાનું યાદ કરાવવા માટે બેલ વગાડવા જણાવાયું છે. જોકે આ સૂચનને અમલમાં મૂકવા માટે બીએમસી કમિશનરની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જોકે કેટલીક સ્કૂલોએ જણાવ્યું હતું કે અમારી શાળામાં સ્ટુડન્ટ્સને પાણી પીવાનું યાદ કરાવવાની સૂચના શિક્ષકોને પહેલાંથી જ આપવામાં આવી છે. જોકે વાલીઓએ બીએમસીના આ નિર્ણયને આવકાર્યો છે.
શિવસેનાના કૉર્પોરેટર સચિન પડવાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આ આઇડિયા ગૃહમાં પાંચમી નવેમ્બરે જ મંજૂર કરવામાં આવ્યો હતો. પાણી આરોગ્ય માટે અત્યંત આવશ્યક ઘટક છે, પણ ઘણા સ્ટુડન્ટ્સ અભ્યાસમાં કે પછી રમતમાં પાણી પીવાનું ભૂલી જતા હોય છે કે પછી ટાળતા હોય છે.
આ પણ વાંચો : નોકરીને નામે મહિલાઓને ફસાવતી ગૅન્ગને કુરાર પોલીસે પકડી પાડી
સ્કૂલના સ્ટુડન્ટ્સ ખાસ કરીને વિદ્યાર્થિનીઓ ટૉઇલેટ ન જવું પડે એ માટે પાણી પીવાનું ટાળતી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ કેરળની સ્કૂલમાં આ પહેલ કરવામાં આવી હતી જેની નોંધ અનેક રાજ્યોની શાળાઓએ લીધી છે. વાલીઓ વતીથી પેરન્ટ્સ-ટીચર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અરુંધતી ચવાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ એક સારી પહેલ છે, પણ સ્કૂલના અધિકારીઓએ એ પણ યાદ રાખવું જોઈએ કે પાણી પીવાનું યાદ કરાવવા સાથે બાળકોને વાપરવા માટે સ્કૂલનાં ટૉઇલેટ્સ સ્વચ્છ પણ હોવાં જોઈએ, કારણ કે ઘણી વખત બાળકો ખાસ કરીને છોકરીઓ ટૉઇલેટ જવું ન પડે એ માટે પાણી પીવાનું ટાળતી હોય છે.’